Top Newsવેપાર

ફેડરલની બેઠકની ફળશ્રુતિ પૂર્વે વૈશ્વિક ચાંદીમાં તોફાની તેજી સાથે ભાવ 61 ડૉલરની પારસ્થાનિક ચાંદીમાં રૂ. 6595નો ઉછાળો, સોનામાં રૂ. 186ની પીછેહઠ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી બે દિવસીય બેઠકની ફળશ્રુતિ પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સાધારણ ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીમાં તોફાની તેજી આગળ ધપતાં ભાવ આૈંસદીઠ 61 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં ચાંદીએ કિલોદીઠ રૂ. 6595ની ઝડપી તેજી સાથે 1.85 લાખની સપાટી પાર કરી હતી, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 186નો સાધારણ ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 6595ની તેજી સાથે રૂ. 1,85,488ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, આજની ઝડપી તેજીમાં ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.

વધુમાં આજે સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 186 ઘટીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,27,276 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,27,788ના મથાળે રહ્યા હતા. એકંદરે સોનામાં નરમાઈતરફી વલણ રહ્યું હોવા છતાં ઊંચી સપાટીએથી માત્ર રોકાણકારોની છૂટીછવાઈ લેવીલી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે વિશ્વ બજારમાં ખાસ કરીને ચાંદીમાં પ્રવર્તમાન પુરવઠાખેંચ વચ્ચે ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગ રહેતાં લંડન ખાતે સત્ર દરમિયાન એક તબક્કે ભાવ વધીને આૈંસદીઠ 61.61 ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 61 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 112 ટકાનો ઉછાળો નોંધાઈ ગયો છે. વધુમાં આજે ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 4193.60 ડૉલર આસપાસ અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને 4221.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં વૈશ્વિક બજારમાં ખાસ કરીને ચાંદીમાં ટૂંકા સમયગાળાના સટ્ટોડિયાઓનું વધેલું આકર્ષણ અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ચાંદીએ આૈંસદીઠ 60 ડૉલરની સપાટી વટાવી છે તે ચાંદીની બજારની તંગ સ્થિતિ દર્શાવે છે, એમ કાર્સ્ટન મેન્કેના વિશ્લેષક જુલિયસ બેઅરે જણાવ્યું હતું.

આજે મોડી સાંજે ફેડરલનાં નિર્ણયની જાહેરાત પૂર્વે સોનાના ભાવ રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા વ્યક્ત કરતાં વિસ્ડમ ટ્રીના સ્ટ્રેટેજિસ્ટ નિતેશ શાહે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી બૉન્ડની વધી રહેલી યિલ્ડ સોનાના ભાવને દબાણ હેઠળ રાખી રહી છે, જ્યારે ચાંદીને ઔદ્યોગિક વપરાશકારોની માગનો પ્રબળ ટેકો મળી રહ્યો છે.

આજે ફેડરલ રિઝર્વ બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 88 ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. તેમ છતાં બજારની નજર ભવિષ્યમાં કેવી નાણાનીતિ અપનાવવામાં આવશે તેના સંકેતો પર મંડાયેલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે આરબીડી કેપિટલ માર્કેટે પ્રવર્તમાન ભૂરાજકીય જોખમો, અમેરિકાની હળવી નાણાનીતિ અને અંદાજપત્રીય ખાધને ધ્યાનમાં લેતા વર્ષ 2026 અને 2027માં સોનાના સરેરાશ ભાવ અનુક્રમે 4600 ડૉલર અને 5100 ડૉલર રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button