અમેરિકી ગવર્મેન્ટ શટ ડાઉન અને રેટ કટના આશાવાદે વૈશ્વિક સોનાચાંદી વિક્રમ સપાટીએ | મુંબઈ સમાચાર
વેપાર

અમેરિકી ગવર્મેન્ટ શટ ડાઉન અને રેટ કટના આશાવાદે વૈશ્વિક સોનાચાંદી વિક્રમ સપાટીએ

સ્થાનિકમાં શુદ્ધ સોનું રૂ. 1983 ઉછળીને 1.17 લાખની પાર, ચાંદીમાં 2686ની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા ખાતે સાત વર્ષ પછીનાં સમયગાળામાં પહેલી વખત આજથી અમલી બનેલા ગવર્મેન્ટ શટ ડાઉન અને તેને કારણે વ્યાજદરમાં વધુ ઘટાડો થવાનો આશાવાદ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 0.8 ટકાનો અને ચાંદીના ભાવમાં 1.2 ટકાનો ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં તોફાની તેજી આગળ ધપતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1975થી 1983નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 1.17 લાખની સપાટી પાર કરી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતાં વિશ્વ બજારની સરખામણીમાં ઉછાળો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીએ કિલોદીઠ રૂ. 2686ની તેજી સાથે રૂ. 1.45 લાખની સપાટી કુદાવી હતી અને ભાવ રૂ. 1.45 લાખની સપાટી કુદાવી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2686ની તેજી સાથે રૂ. 1,45,120ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી માત્ર રોકાણલક્ષી માગ જોવા મળી હતી અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી છૂટીછવાઈ લેવાલી રહી હતી. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ તેજીનું વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1975 વધીને રૂ. 1,16,862 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1983 વધીને રૂ. 1,17,332ના મથાળે રહ્યા હતા. તેમ જ ચાંદીની જેમ સોનામાં પણ માત્ર રોકાણલક્ષી માગ રહી હતી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગમાં સોંપો પડી ગયો હતો.

એકંદરે આજથી અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન અથવા તો સરકારી વ્યવહારો બંધ પડવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવીને વ્યાજદરમાં વધુ ઘટાડો કરે તેવો આશાવાદ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3898.18 ડૉલરની નવી ટોચ દર્શાવ્યા બાદ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 3886.97 ડૉલર અને વાયદામાં ભાવ 1.1 ટકા વધીને 3914.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે 1.2 ટકા ઉછળીને 14 વર્ષની ઊંચી આૈંસદીઠ 47.22 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

અમેરિકી સરકારના શટડાઉન અને તેને કારણે વ્યાજદર વધુ ઘટવાના આશાવાદને કારણે આજે ડૉલર ઈન્ડેક્સ પણ નબળો પડ્યો હોવાથી સોનાની તેજીને વધુ ઈંધણ મળ્યું હોવાનું એક્ટિવ ટ્રેડર્સનાં વિશ્લેષક રિકાર્ડો ઈવાનજેલિસ્ટાએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ખર્ચનો ખરડો પસાર ન થવાથી શટડાઉનને કારણે અમેરિકાની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડવાને કારણે આગામી શુક્રવારે નોન ફાર્મ પૅ રૉલ ડેટા પણ વિલંબિત થાય તેમ જણાય છે. આથી સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતમાં રોકાણકારોની સલામતી માટેની માગ ખૂલતાં આગઝરતી તેજી જોવા મળી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button