ફેડરલ દ્વારા વધુ રેટ કટના આશાવાદે વૈશ્વિક સોનું નવી ટોચે, ચાંદી 14 વર્ષ કરતાં વધુ ઊંચી સપાટીએ | મુંબઈ સમાચાર
વેપાર

ફેડરલ દ્વારા વધુ રેટ કટના આશાવાદે વૈશ્વિક સોનું નવી ટોચે, ચાંદી 14 વર્ષ કરતાં વધુ ઊંચી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષમાં વધુ બે વખત 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ સપાટી પર આવતાં આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે સોનાના હાજર ભાવ વધીને નવી આૈંસદીઠ 3726.19 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 14 વર્ષ કરતાં વધુ સમયગાળાની ટોચે પહોંચ્યાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2371થી 2380નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ 1.12 લાખની સપાટી પાર કરી ગયા હતા. નોંધનીય બાબત એ છે કે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પણ 12 પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા તેજીને ઈંધણ મળ્યું હતું. વધુમાં આજે ચાંદીમાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં તેજીનું વલણ રહેવાની સાથે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 4869ના તોતિંગ ઉછાળા સાથે રૂ. 1.32 લાખની સપાટી કુદાવી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયાની નરમાઈ સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2371 વધીને રૂ. 1,11,706ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2380 વધીને રૂ. 1,12,155ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4869ના ચમકારા સાથે રૂ. 1,32,869ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સટ્ટાકીય લેવાલી રહી હતી અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં એક તબક્કે સોનાના ભાવ આૈંસદીઠ 3726.19 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ પાછા ફરીને આગલા બંધ સામે 1.1 ટકા વધીને 3723.81 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ડિસેમ્બર વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.4 ટકા ઉછળીને આૈંસદીઠ 3758.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 1.4 ટકાની તેજી સાથે 14 વર્ષ કરતાં વધુ સમયગાળાની ઊંચી આૈંસદીઠ 43.67 ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા.

છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષે ડેટાના આધારે વર્ષ 2025માં હજુ બે વખત વ્યાજદરમાં કાપ મૂકવામાં આવશે, એવા સંકેતો આપ્યા હોવાથી સોનામાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે મંગળવારે તેઓ કેવા અણસાર આપે છે તેના પર બજાર વર્તુળોની નજર રહેશે. આ ઉપરાંત બજારની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર પણ રહેશે.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર અને ડિસેમ્બર મહિનાની પ્રત્યેક નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 81 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો મૂકી રહ્યા છે.

સ્ટુનોવોએ વધુમાં જણાવ્યું હતું કે સોનાની તેજીને ટેકો આપતા પરિબળોમાં પરિવર્તન આવી રહ્યા છે. અત્યાર સુધી કેન્દ્રવર્તી બૅન્કોની અને એશિયન બજારોની માગનો ટેકો મળી રહ્યો હતો, જ્યારે હવે સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં પશ્ચિમના દેશનાં રોકાણકારોની લેવાલીનો ટેકો મળી રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં ભૂરાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા, કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી અને હળવી નાણાનીતિના આશાવાદે સોનાના વૈશ્વિક ભાવમાં 40 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button