ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 7349નો અને સોનામાં રૂ. 1067નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકાના નોન ફાર્મ પૅરૉલ ડેટાની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ઘટ્યા મથાળેથી સોનાના ભાવમાં એક ટકાનો અને ચાંદીના ભાવમાં 5.4 ટકાનો ઉછાળો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1063થી 1067નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 7349નો ઉછાળો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વિશ્વ બજાર પાછળ 999 ટચ ચાંદીમાં તેજીનો કરંટ જોવા મળતા વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 7349ની તેજી સાથે રૂ. 2,66,449ના મથાળે રહ્યા હતા. આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સટ્ટાકીય લેવાલી રહી હતી, જ્યારે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હતી.
આપણ વાચો: સોનાના ભાવમાં ચંચળતા વચ્ચે ભારત સહિત એશિયન બજારમાં માગ નિરસ
તે જ પ્રમાણે આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતા 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1063 વધીને રૂ. 1,56,692 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1067 વધીને રૂ. 1,57,322ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હતી.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 5074.39 ડૉલર આસપાસ અને એપ્રિલ વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.3 ટકા વધીને આૈંસદીઠ 5098 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ગઈકાલે હાજરમાં ચાંદીના ભાવમાં ત્રણ ટકા જેટલો ઘટાડો થયા બાદ આજે 5.4 ટકા ઉછળીને આૈંસદીઠ 85.02 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સ બે સપ્તાહની નીચી સપાટી આસપાસ પહોંચ્યો હોવાથી સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું કાર્સ્ટન મેન્કેનાં વિશ્લેષક જુલિયસ બૅરે જણાવતા ઉમેર્યું હતું કે આ ઉપરાંત અમેરિકાના ડિસેમ્બર મહિનાના રિટેલ વેચાણમાં ઘટાડો થવાની સાથે ઑક્ટોબર તથા નવેમ્બર મહિનાના રિટેલ વેચાણમાં ઘટાડાતરફી સુધારો કરવામાં આવ્યો હોવાથી અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ બે મહિનાની નીચી સપાટીએ પહોંચતા સોના ચાંદીની તેજીને પ્રેરકબળ મળ્યું હતું.
આપણ વાચો: સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
વધુમાં આજે મોડી સાંજે અમેરિકાના જાન્યુઆરી મહિનાના નોન ફાર્મ પૅરૉલ ડેટાની જાહેરાત થનાર છે, જેમાં રોજગાર વૃદ્ધિમાં ડિસેમ્બર મહિનાના 50,000 સામે વધીને 70,000નો વધારો થવાનો અંદાજ રોઈટર્સ દ્વારા કરવામાં આવેલા અર્થશાસ્ત્રીઓના સર્વેક્ષણમાં ફલિત થયું હતું.
તેમ છતાં રોજગાર વૃદ્ધિમાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ જોવા મળશે તો અમેરિકી ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં કાપ મૂકવાનો ટેકો મળતાં સોનામાં પણ સુધારાને ટેકો મળશે, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.



