વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો છતાં સ્થાનિકમાં રૂ. 286ની અને ચાંદીમાં રૂ. 916ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન ખાતે આજે સત્રના આરંભે એક તબક્કે ભાવ ગત પહેલી ઑગસ્ટ પછીની નીચી સપાટી સુધી પહોંચ્યા બાદ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પછેહઠ થતાં સોનામાં નીચા મથાળેથી ખરીદીનો ટેકો મળતાં સુધારો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ વધી આવ્યા હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 284થી 286નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 916નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સપ્તાહના આરંભે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 19 પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી ખાસ કરીને સોનાની આયાત પડતર ઘટી આવતા મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 284 ઘટીને રૂ. 99,338 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 286 ઘટીને રૂ. 99,737ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 916ના ઘટાડા સાથે રૂ. 1,14,017ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટીને ગત પહેલી ઑગસ્ટ પછીની નીચી સપાટીએ પહોંચ્યા બાદ અમેરિકી ટેઝરીની યિલ્ડ તથા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં આૈંસદીઠ 3330 ડૉલર આસપાસના નીચા મથાળેથી ખરીદી નીકળતા ભાવ આગલા બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 3348.59 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 3394.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ સાધારણ 0.1 ટકા વધીને આૈંસદીઠ 38.02 ડૉલર આસપાસ રહ્યા હતા.
એકંદરે આજે સત્રના આંભે સોનામાં નરમાઈનું વલણ રહ્યા બાદ ટ્રેઝરીની યિલ્ડ ઘટી આવતા સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે રોકાણકારોની નજર આજની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી, વોલ્દીમિર પુતિન અને યુરોપિયન નેતાઓ સાથેની યુદ્ધ વિરામ અંગેની બેઠક પર સ્થિર થઈ હોવાથી અમુક અંશે તેઓનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હતો.
રશિયાના પ્રમુખ પુતિન અને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની અલાસ્કા ખાતે થયેલી ચર્ચામાં શાંતિ પ્રસ્તાવ હેઠળ રશિયા કબજા હેઠળના યુક્રેનના નાના ભાગો છોડી દે અને કિવ તેની પૂર્વીય જમીનનો અક ભાગ છોડી દે જે મોસ્કો કબજે કરવામાં અસમર્થ રહ્યું છે, એવા મોસ્કો તરફથી અહેવાલો વહેતા થયા છે. જોકે, અમારા મતે આગામી સમયગાળામાં યુદ્ધ વિરામ અંગે પ્રગતિ સધાય તેવી શક્યતા પાંખી હોવાનું વોટરરે જણાવતા ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વનાં પ્રમુખ જૅરૉમ પૉવૅલનાં વ્યોમિંગ ખાતેનાં જેક્શન હૉલ ખાતેના વક્તવ્ય પર સ્થિર થઈ છે. જોકે, તાજેતરમાં ફેડરલ તરફથી રેટ કટ અંગે રૉઈટર્સ દ્વારા અર્થશાસ્ત્રીઓનાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ વર્ષે ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં પહેલી વખત અને વર્ષના અંતમાં બીજી વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.