વેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 1323ની અને ચાંદીમાં રૂ. 4007ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
આજે મોડી સાંજે અમેરિકાનાં સપ્ટેમ્બર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે સાવચેતીનું માનસ અને ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં કપાતની શક્યતા ન હોવાનું જણાતા આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ બે સપ્તાહની ઊંચી સપાટી આસપાસ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 0.6 ટકા અને ચાંદીના ભાવ 1.4 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1318થી 1323ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4007ની પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 23 પૈસા ગબડ્યો હોવાથી સોના-ચાંદીની આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ભાવઘટાડાના માહોલમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4007 ઘટીને રૂ. 1,54,113ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહ્યું હતું અને સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1318 ઘટીને રૂ. 1,22,070 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1323 ઘટીને રૂ. 1,22,561ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો: ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં એક ટકાનો ઉછાળો

ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં ઘણાંખરા અધિકારીઓએ ઑક્ટોબરમાં વ્યાજદરમાં કાપ મૂક્યા બાદ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકવા સામે વિરોધ વ્યક્ત કર્યો હોવાનું જણાતા આજે ડૉલર ઈન્ડેક્સ બે સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4055.20 ડૉલર અને ડિસેમ્બર વાયદામાં ભાવ 0.7 ટકા ઘટીને 4053.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.4 ટકા તૂટીને આૈંસદીઠ 50.66 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે સોનામાં બે દિવસ સુધી સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે નફારૂપી વેચવાલી નીકળતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવતા ઉમેર્યું હતું કે આજે ટ્રેડરોની નજર ગવર્નમેન્ટ શટડાઉનને કારણે વિલંબિત થયેલા સપ્ટેમ્બર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની મોડી સાંજે થનારી જાહેરાત પર સ્થિર થઈ છે. જોકે, બજાર વર્તુળો રોજગારીમાં 50,000નો ઉમેરો થવાની ધારણા રાખી રહ્યા છે.

ફેડરલની મિનિટ્સની જાહેરાત પશ્ચાત્‌‍ હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી ડિસેમ્બર મહિનામાં રેટકટની શક્યતા માત્ર 34 ટકા જ જોઈ રહ્યા છે. જોકે, વર્ષ 2026માં રેટકટની શક્યતાને ધ્યાનમાં લેતા યુબીએસએ વર્ષ 2026ના મધ્ય સુધીમાં સોનાના ભાવ આૈંસદીઠ 4500 ડૉલર આસપાસની સપાટીએ રહે તેવી ધારણા મૂકી હોવાના અહેવાલ હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button