સોનામાં ઊંચા મથાળેથી રૂ. 173ની અને ચાંદીમાં રૂ. 1063ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ હળવી નાણાનીતિ માટે સાવચેતીનો અભિગમ અપનાવી રહ્યા છે ત્યારે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના એડીપી એમ્પ્લોયમેન્ટ ડેટા તેમ જ આવતીકાલે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોના અને ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં હાલ સ્થાનિક ઝવેરી બજારમાં સ્તરે બન્ને કિંમતી ધાતુઓમાં ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરની માગ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 172થી 173નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1063નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1063ના ઘટાડા સાથે રૂ. 1,05,900ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોના અભાવ ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 172ના ઘટાડા સાથે રૂ. 96,868ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 173ના ઘટાડા સાથે રૂ. 97,257ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: ડૉલર ઈન્ડેક્સ ત્રણ વર્ષના તળિયે પહોંચતા વૈશ્વિક સોનામાં આગેકૂચ
સૂત્રોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ અનુક્રમે 3337.12 ડૉલર અને 3346 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ આૈંસદીઠ 36.06 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ત્રણ વર્ષની નીચી સપાટી આસપાસ જળવાઈ રહેતાં બન્ને કિંમતી ધાતુઓમાં છૂટીછવાઈ લેવાલીનો ટેકો મળતાં ભાવમાં મોટો ઘટાડો અટક્યો હતો.
તાજેતરમાં સોનાના ભાવમાં બે સપ્તાહની ઝડપી તેજી જોવા મળ્યા બાદ વૈશ્વિક સ્તરે જોખમી પરિબળો ઓછાં થતાં હાલમાં ભાવ કોન્સોલિડેટ થઈ રહ્યા હોવાનું ટેસ્ટીલિવના ગ્લોબલ મેક્રો વિભાગના હેડ ઈલ્યા સ્પિવેકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલ બજારના કેન્દ્રસ્થાને ફેડરલની સંભવિત નીતિઓ છે.
આ પણ વાંચો: ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં એક મહિનાની નીચી સપાટીએથી બાઉન્સબૅક
નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ફેડરલ સમક્ષ તાત્કાલિક ધોરણે વ્યાજદરમાં કપાતની માગણી કરી છે, ત્યારે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પણ વ્યાજદરમાં કપાત પૂર્વે ટૅરિફની અસરોને ધ્યાનમાં લેતા રાહ જોવામાં આવે તેવો પુનરોચ્ચાર કર્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત મે મહિનામાં અમેરિકામાં રોજગારીના સર્જનામાં અનપેક્ષિતપણે વધારો જોવા મળ્યો હતો, પરંતુ આયાત ટૅરિફની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા કંપનીઓ દ્વારા થતાં હાયરિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો.
જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પર છે. જો નોન ફાર્મ પૅ રૉલ ડેટા અનપેક્ષિતપણે મજબૂત આવે તો સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવી શકે છે, પરંતુ તેવી શક્યતા નહીંવત્ હોવાનું સ્પિવેકે જણાવવ્યું હતું.
દરમિયાન ગઈકાલે અમેરિકી સંસદમાં ટ્રમ્પનું વેરા અને ખર્ચનું બિલ સાંકડી બહુમતીથી પસાર થઈ ગયું હતું. જેમાં મુખ્યત્વે વેરામાં કપાત, સોશિયલ સેફ્ટી નેટ પ્રોગ્રામમાં ઘટાડો, લશ્કરી ખર્ચમાં વધારો વગેરેનો સમાવેશ થવાની સાથે 3.3 ટ્રિલિયન ડૉલરના રાષ્ટ્રીય દેવામાં વધારો થવાની પણ શક્યતા છે.