વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સોનામાં રૂ. 538ની અને ચાંદીમાં રૂ. 95ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલા ઑગસ્ટ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાથી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી આશા વધુ પ્રબળ બની હોવા છતાં આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સોના અને ચાંદીમાં રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.536થી 538નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 33 પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 95 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 95ના સાધારણ ઘટાડા સાથે રૂ. 1,24,499ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં રૂપિયાની નરમાઈને કારણે ભાવઘટાડો મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 536 ઘટીને રૂ. 1,08,660 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 538 ઘટીને રૂ. 1,09,097ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચી ભાવસપાટીને કારણે છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિકમાં રૂ. 160નો સુધારો, ચાંદી રૂ. 176 નરમ
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 3621.19 ડૉલર અને વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 3659.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 41.01 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાતના નિર્ણયની મુખ્ય ભૂમિકા ભજવનાર ઑગસ્ટ મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે જાહેરાત થનાર હોવાથી સોનામાં છૂટીછવાઈ નફારૂપી વેચવાલી નીકળતા તેજીએ થાક ખાધો હોવાનું ટેસ્ટીલિવનાં ગ્લોબલ મેક્રો વિભાગના હેડ ઈલ્યા સ્પિવિકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત ઑગસ્ટ મહિનામાં ટ્રેડ સર્વિસના નીચા માર્જિન અને ઈનપૂટ ખર્ચમાં વધારો સાધારણ માત્રામાં થયો હોવાથી પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિકમાં રૂ. 66નો ઘસરકો, ચાંદી રૂ. 626 નરમ
અમેરિકામાં ઑગસ્ટ મહિનાના ફુગાવામાં આગલા જુલાઈ મહિનામાં જોવા મળેલા 0.2 ટકાના વધારા સામે 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળશે અને ફુગાવો આગલા જુલાઈ મહિનાના 2.7 ટકા સામે વધીને 2.9 ટકા આસપાસની સપાટીએ રહેશે, એવું તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ફલિત થયું હતું.
એકંદરે ગત સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા બાદ, ગઈકાલે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાથી ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ બની હતી. તેમ જ બજારનો અમુક વર્ગ તો વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો જમ્બો રેટ કટ કરવામાં આવે તેવી ધારણા પણ મૂકી રહ્યો છે.