ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વૈશ્વિક સોનું એક સપ્તાહની નીચી સપાટીએ
સ્થાનિક સોનામાં રૂ. 837ની અને ચાંદીમાં રૂ. 137ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફની નિતનવી ધમકીઓ સાથે સપાટી પર આવી રહેલી ટ્રેડ વૉરની ચિંતાઓ વચ્ચે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી 10 વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 834થી 837નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 137નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 834ના ઘટાડા સાથે રૂ. 95,750 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 837ના ઘટાડા સાથે રૂ. 96,135ના મથાળે રહ્યા હતા.
આપણ વાંચો: નાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈ ગયો હોવાથી તેની સોનાના ભાવ પર કોઈ અસર નહોતી જોવા મળી. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 137ના સાધારણ ઘટાડા સાથે રૂ. 1,07,363ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો 0.2 ટકા જેટલો વધારો તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ત્રણ સપ્તાહની ઊંચી સપાટી આસપાસ રહી હોવાથી રોકાણકારોની સોનામાં લેવાલી મર્યાદિત રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 3286.96 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.7 ટકા ઘટીને 3295 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 36.59 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?
ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં કોપર પર 50 ટકા ટૅરિફ લાદવાની અને સેમિક્નડક્ટર તથા ફાર્માસ્યુટિકલ પર પણ ટૅરિફ લાદવાની ધમકી આપી હતી. તેમ જ આગામી પહેલી ઑગસ્ટથી જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના 14 દેશો પર અમલી થનારા ટૅરિફની જાહેરાત પશ્ચાત્ બ્રિક્સ રાષ્ટ્રો પર વધારાની 10 ટકા ટૅરિફ લાદવાની ધમકીનો પુનરોચ્ચાર પણ કર્યો હતો.
એકંદરે ગત ફેબ્રુઆરીથી સોનામાં મજબૂત વલણ જોવા મળ્યા બાદ હવે ચાર્ટની દૃષ્ટિએ નબળુ વલણ જોવા મળી રહ્યું હોવાનું મેરેક્સનાં એનાલિસ્ટ એડવર્ડ મેઈરે જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડની મજબૂતાઈ સોનાની તેજીને રૂંધી રહ્યા છે.
આ સપ્તાહ દરમિયાન અમેરિકાના આર્થિક ડેટાઓ ઓછા આવવાના છે તેમ છતાં હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગેનો કોઈ દિશાનિર્દેશ આપે છે કે નહીં તેના પર મંડાયેલી હોવાનું ટેસ્ટીલિવનાં ગ્લોબલ મેક્રો વિભાગના હેડ ઈલ્યા સ્પિવિકે જણાવ્યું હતું.