અમેરિકી ફેડરલના રેટ કટનો આશાવાદ ઓસરતા વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. 7316 ઘટી અને સોનામાં રૂ. 1672ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના જાન્યુઆરી મહિનાના રોજગારના ડેટા અપેક્ષા કરતાં વધુ મજબૂત આવતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાનો ત્વરિત નિર્ણય લે તેવો આશાવાદ ઓસરી જતાં આજે લંડન ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 7316નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1665થી 1672નો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 17 પૈસા મજબૂત થયો હોવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે પણ ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીના વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 7316ના ઘટાડા સાથે રૂ. 2,59,133ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં વધુ ઘટાડાના આશાવાદને કારણે સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહી હતી. તેમ જ આજે સોનામાં પણ ભાવઘટાડાના આશાવાદે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હતી અને વિશ્વ બજાર પાછળ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1665ના ઘટાડા સાથે રૂ. 1,55,027 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1672ના ઘટાડા સાથે રૂ. 1,55,650ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 5064.29 ડૉલર અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને 5086.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 83.47 ડૉલર આસપાસ રહ્યા હતા.
ગઈકાલે અમેરિકા જોબ ડેટાની જાહેરાત પૂર્વે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે સોનાના ભાવ વધીને આૈંસદીઠ 5100 ડૉલર અને ચાંદીના ભાવ આૈંસદીઠ 86 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા, પરંતુ ત્યાર બાદ ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી રેટકટનો આશાવાદ ઓસરી જતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હાસને જણાવતાં ઉમેર્યું હતું કે હવે ચીનની નવાં લ્યુનાર વર્ષની રજાઓ ટૂંક સમયમાં શરૂ થવાની હોવાથી પાંખાં કામકાજો અને પ્રવાહિતા ઓછી રહેતાં ભાવ વધુ દબાણ હેઠળ આવી શકે છે.
ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં 70,000ની અપેક્ષિત વૃદ્ધિ સામે રોજગારીમાં 1,30,000નો ઉમેરો થયો હતો અને બેરોજગારીનો દર પણ ઘટીને 4.3 ટકાના સ્તરે રહ્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, હવે બજાર વર્તુળોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના બેરોજગારી ભથ્થું મેળવવા માટેના અરજદારોના ડેટા અને આવતીકાલે જાહેર થનારા ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે.



