ડિસેમ્બરમાં રેટકટની શક્યતા ધૂંધળી થતાં વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 3363નો અને સોનામાં રૂ. 1760નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઓછી હોવાના ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેતો આપતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં 0.8 ટકાનો સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ હતા.
જોકે, વૈશ્વિક મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3363નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1753થી 1760નો કડાકો બોલાઈ ગયો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ અને જ્વેલરી ઉત્પાદકો નવી લેવાલીથી દૂર રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3363ના ઘટાડા સાથે રૂ. 1,59,367ના મથાળે રહ્યા હતા.
આપણ વાચો: ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?
વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1753 ઘટીને રૂ. 1,24,294 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1760 ઘટીને રૂ. 1,24,794ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ ડિસેમ્બર મહિનાની બેઠકમાં રેટ કટ કરે તેવા આશાવાદ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4211.06 ડૉલર સુધી પહોંચીને પાછા ફર્યા હતા. જોકે, આજે રેટ કટનો આશાવાદ નબળો પડતાં ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને 4166.91 ડૉલર અને વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4170.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 4.2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ 0.8 ટકા વધીને આૈંસદીઠ 52.68 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાચો: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ કરારના સંકેત, સોનાના ભાવમાં થઇ શકે છે ઘટાડો
એકંદરે હાલમાં નાણાં બજારોમાં સાવચેતીનો અભિગમ જોવા મળી રહ્યો હોવાથી સોનાને ટેકો મળી રહ્યો છે. તેમ છતાં આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તે અંગે શંકાના વાદળો ઘેરાઈ રહ્યા હોવાથી મર્યાદિત સુધારો જોવા મળી રહ્યો હોવાનું એક્ટિવ ટ્રેડનાં વિશ્લેષક રિકાર્ડો ઈવાનજેલિસ્ટાએ જણાવ્યું હતું.
અમેરિકામાં 43 દિવસી ચાલેલા ગવર્મેન્ટ શટડાઉનને કારણે આર્થિક ડેટાની જાહેરાતો ખોરવાઈ રહ્યા છે અને વ્હાઈટ હાઉસે ઑક્ટોબરનાં બેરોજગારીના ડેટા શક્યતઃ ઉપલબ્ધ નહીં થાય. આમ ડેટાના અભાવે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપનો નિર્ણય ન લે તેવી શક્યતા પ્રબળ બની હોવાથી આજે સોનાના ભાવ તથા ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાનું ઈવાનજેલિસ્ટાએ ઉમેર્યું હતું.
વ્હાઈટ હાઉસના બેરોજગારી સંદર્ભનાં નિવેદનને ધ્યાનમાં લેતા આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો અગાઉ જે ડિસેમ્બરમાં વ્યાજદરમાં કપાતની શક્યતા 64 ટકા વ્યક્ત કરી રહ્યા હતા તે આજે ઘટીને 49 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યાના અહેવાલ હતા.



