Top Newsવેપાર

સોના-ચાંદીની વનવે તેજીએ રિટેલ માગ રૂંધાતા સોનાના ભાવ પરના ડિસ્કાઉન્ટ એક મહિનાની ટોચે

નવેમ્બરમાં સ્વિટ્ઝર્લેન્ડથી ભારત ખાતે સોનાની નિકાસ ઘટીને માત્ર બે ટનની સપાટીએ

રમેશ ગોહિલ

વીતેલા સપ્તાહ દરમિયાન અમેરિકાના જાહેર થયેલા આર્થિક આંકડાઓ ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2026માં હળવી નાણાનીતિ અપનાવે અને વ્યાજદરમાં વધુ વખત વધારો કરે તેવી શક્યતામાં વધારો થવાથી વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ અમુક અંશે સુધારો જોવા મળ્યો હોવાથી વૈશ્વિક સોનામાં તેજી થોડી ધીમી પડતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે અંદાજે 1.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જોકે, ચાંદીમાં મુખ્યત્વે તંગ પુરવઠો અને ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગ તેમ જ હળવી નાણાનીતિના આશાવાદનો ટેકો મળતાં ભાવમાં ઝડપી ઉછાળા આવતા સાપ્તાહિક ધોરણે 8.4 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક બજારનાં પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે 2.5 ટકાની અથવા તો કિલોદીઠ રૂ. 4887ની તેજી જોવા મળી હતી અને ભાવ રૂ. બે લાખની સપાટી કુદાવી ગયા હતા. જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ગત સપ્તાહના આખરી ત્રણ સત્રમાં ડૉલર સામે રૂપિયામાં 119 પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને સાપ્તાહિક ધોરણે રૂપિયો 82 પૈસા મજબૂત થવાથી સ્થાનિક સોનામાં સાપ્તાહિક ધોરણે 0.7 ટકા અથવા તો 10 ગ્રામદીઠ રૂ. 931નો સાધારણ ઘટાડો નોંધાયો હતો.

તાજેતરમાં સોનામાં જોવા મળેલી ઝડપી તેજી અને ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતાં ગત નવેમ્બર મહિનામાં સ્વિટ્ઝર્લેન્ડની સોનાની નિકાસમાં આગલા ઑક્ટોબર મહિનાના 1,28,179 કિલોગ્રામની સરખામણીમાં 15 ટકા ઘટીને 1,09,518 કિલોગ્રામની સપાટીએ રહી હોવાનું સ્વિસ કસ્ટમ વિભાગની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે. સ્વિસ ક્સ્ટમ વિભાગના જણાવ્યાનુસાર ગત નવેમ્બર મહિનામાં ભારત ખાતે સોનાની નિકાસ આગલા ઑક્ટોબર મહિનાના 26 ટન સામે ઘટીને માત્ર બે ટનની સપાટીએ રહી હતી, જ્યારે ચીન ખાતેની નિકાસ આગલા ઑક્ટોબર મહિનાના બે ટન સામે વધીને 12 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિકમાં સોનાના ભાવ સાંકડી રેન્જમાં અથડાઈ ગયા હોવા છતાં એકંદરે ભાવસપાટી ઊંચી હોવાથી પ્રવર્તમાન લગ્નસરાની માગ શુષ્ક રહી હોવાનું જ્વેલરોએ જણાવતાં ઉમેર્યું હતું કે રિટેલ માગ નિરસ રહેતાં સપ્તાહ દરમિયાન જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતાં ડીલરો સોનાના ભાવ ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા છે અને આ ડિસ્કાઉન્ટ પણ એક મહિનાની ટોચ આસપાસ હોવાના અહેવાલ હતા. દરમિયાન ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર વેરારહિત ધોરણે સ્થાનિકમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 12મી ડિસેમ્બરના 10 ગ્રામદીઠ રૂ. 1,32,710ના બંધ સામે સાધારણ સુધારા સાથે રૂ. 1,33,442ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં રૂ. 1,31,777 અને ઉપરમાં ખૂલતી જ રૂ. 1,33,442ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 931 અથવા તો 0.70 ટકા ઘટીને રૂ. 1,31,779ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં પણ ઉછાળા જોવા મળતાં સપ્તાહના આરંભે વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 1,95,180ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 1,92,222ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,91,971 અને ઉપરમાં રૂ. 2,01,250ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 2.5 ટકા અથવા તો રૂ. 4887ની તેજી સાથે રૂ. 2,00,067ના મથાળે બંધ રહ્યા હતા.

વૈશ્વિક સોનામાં ગત સપ્તાહે સાપ્તાહિક ધોરણે સાધારણ 1.1 ટકાનો અને ચાંદીમાં 8.4 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં સોના અને ચાંદીમાં અનુક્રમે 65 ટકાની અને 132 ટકાની તેજી ફૂંકાઈ ગઈ છે. ગત સપ્તાહે બૅન્ક ઑફ જાપાને વ્યાજદર 25 બેસિસ પૉઈન્ટ વધારીને વર્ષ 1995 પછીની સૌથી ઊંચી 0.75 ટકાની સપાટીએ રાખવાનો નિર્ણય લીધો હતો અને અતિશય હળવી નાણાનીતિનો અંત લાવ્યો હતો. બૅન્ક ઑફ જાપાનના આ નિર્ણયને પગલે વૈશ્વિક બૉન્ડની યિલ્ડ વધી હતી તેમ જ યેન કેરી ટ્રેડમાંથી રોકાણકારોને રોકાણ છૂટા કરવા પડતાં રોકાણકારોની ચલણની ચંચળતા સામે હેજ કરવા માટે સોના અને ચાંદીમાં લેવાલી જોવા મળી હતી. જોકે, ગત સપ્તાહે સોનાની સરખામણીમાં ચાંદીમાં લેવાલી આક્રમક રહેતાં હાલ સોના અને ચાંદી વચ્ચેની સરાસરી જે વર્ષના આરંભે 90ની સપાટીએ હતી તે હવે 66.1ના સ્તરે પહોંચી છે. વાસ્તવમાં આ વર્ષે ચાંદીમાં ઝડપી તેજી જોવા મળી હોવાનું મુખ્ય કારણ એઆઈ, સોલાર અને ઈલેક્ટ્રિક વાહનોનાં ક્ષેત્રની પ્રબળ માગ રહેતાં ચાંદીમાં પુરવઠાખેંચની સ્થિતિ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર હાલ ચાંદીમાં 14 કરોડ આૈંસની પુરવઠાખેંચ છે. આ સિવાય સોનાને ખાસ કરીને ફેડરલના રેટ કટનો આશાવાદ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો મળી રહ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 4420 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી અને 4290 ડૉલરની સપાટી ટેકાની સપાટી પુરવાર થશે અને વૈશ્વિક ચાંદીની રેન્જ આૈંસદીઠ 61થી 72 ડૉલર આસપાસની રેન્જમાં રહેશે. જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.28 લાખથી 1.37 લાખની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ 1.92 લાખથી 2.25 લાખની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ખાસ કરીને સોનામાં ફેડરલ દ્વારા હળવી નાણાનીતિનો આશાવાદ અને ચાંદીમાં પુરવઠાખેંચ વચ્ચે રોકાણલક્ષી અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પ્રબળ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જેમાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 4347.07 ડૉલર અને વાયદામાં 0.5 ટકા વધીને 4387.30 ડૉલર આસપાસ બંધ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 2.6 ટકા ઉછળીને આૈંસદીઠ 67.14 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. સામાન્યપણે વૈશ્વિક સોના અને ચાંદીના ભાવ પારસ્પારિક રીતે સંકળાયેલા હોય છે, પરંતુ છેલ્લા બે મહિનાથી ચાંદીમાં ઝડપી તેજી જોવા મળી છે અને જ્યારે ચાંદીમાં ઝડપી તેજી જોવા મળે પછી ટૂંકા સમયગાળામાં જ સોનાના ભાવમાં વૃદ્ધિ થતી હોય છે, એમ યુએસ સ્થિત ગ્લોબલ ઈન્વેસ્ટરનાં હેડ ટ્રેડર માઈકલ મેટોસ્કે જણાવ્યું હતું. વધુમાં બ્લ્યુ લાઈન ફ્યુચર્સનાં ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ફિલિપ સ્ટ્રીબલે જણાવ્યું હતું કે હાલમાં ચાંદીની તેજીને ખાસ કરીને એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં વધેલા આંતરપ્રવાહ, રોકાણલક્ષી માગ અને તંગ પુરવઠાસ્થિતિનો લાભ મળી રહ્યો છે.

ગત સપ્તાહે અમેરિકામાં જાહેર થયેલા નવેમ્બર મહિનાના ફુગાવામાં બજારની 3.1 ટકાની અપેક્ષિત વૃદ્ધિ સામે 2.7 ટકાની વૃદ્ધિ થઈ હોવાના નિર્દેશ અને બેરોજગારીનો દર વધીને સપ્ટેમ્બર, 2021 પછીની સૌથી ઊંચી 4.6 ટકાની સપાટીએ પહોંચ્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2026માં બેથી વધુ વખત વ્યાજદરમાં કાપ મૂકશે અને હળવી નાણાનીતિ તેવો આશાવાદ સપાટી પર આવતા સોના અને ચાંદીની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button