ડોલર સામે રુપિયો તૂટ્યો, તો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ જાણો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના રોજગારીના ડેટા અપેક્ષા કરતાં વધુ મજબૂત આવ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ છતાં ટ્રમ્પની વેપાર નીતિની અનિશ્ચિતતા સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક લેવાલી અને વેચાણો કપાતા ભાવ વધીને આઠ સપ્તાહની ટોચે પહોંચ્યા હતા, પરંતુ આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ગત શુક્રવારના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં 46 પૈસાના ગાબડાં સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધી આવતા મધ્યસત્ર દરમિયાન ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 330થી 332ની તેજી જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 118નો ઘટાડો જોવા મળ્યો હતો. આમ બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 118ના ઘટાડા સાથે રૂ. 90,150ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ગત શુક્રવારના વિશ્વ બજારનાં પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયામાં અવિરત ધોવાણ જળવાઈ રહેતાં સોનાની આયાત પડતરો વધી આવતા 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 330 વધીને રૂ. 78,036 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 78,350ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત ડિસેમ્બર મહિનાના અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવવાની સાથે બેરોજગારીનો દર પણ આગલ મહિનાના 4.2 ટકા સામે ઘટીને 4.1 ટકાની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશો સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હોવા છતાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની નીતિ ફુગાવા વૃદ્ધિલક્ષી હોવાની ભીતિ સપાટી પર આવતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ વધીને આઠ સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.1 ટકાના ઘટાડા સાથે અનુક્રમે આૈંસદીઠ 2688.19 ડૉલર અને 2713.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 30.21 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો : Gold Price : ચીને આંતરરાષ્ટ્રીય બજારમાંથી સોનાની ખરીદી કરતા ભાવમાં વધારો, જાણો કારણ…
અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા અનપેક્ષિતપણે મજબૂત આવતા અમેરિકી અર્થતંત્રમાં મજબૂતી જળવાઈ રહી હોવાનો અણસાર આપ્યો હતો. જોકે, નવા પ્રમુખ ટ્રમ્પની વેપાર નીતિ ટ્રેડ વૉર તરફ દોરી જનારી હોવાની શક્યતા અને તેને કારણે ફુગાવામાં વધારો થવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત અંગે સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ જ બૅન્ક ઑફ અમેરિકા ગ્લોબલ રિસર્ચે એક નોટ્સમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરનાં જોબ ડેટા જોતા હવે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતનો અંત આવી ગયો હોય તેમ જણાય છે.
સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ ઊંચા વ્યાજદરને કારણે સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં માગ નબળી પડતી હોય છે. જોકે, હાલને તક્ક્કે સોનામાં ટ્રમ્પની વેપાર-વેરાની નીતિ અંગેની અનિશ્ચિતતાનો ટેકો મળી રહ્યો છે, એમ એએનઝેડનાં વિશ્લેષકે એક નોટ્સમાં જણાવ્યું હતું.