વૈશ્વિક ચાંદીએ ૧૨ વર્ષની ઊંચી ૩૪ ડૉલરની સપાટી કુદાવતા સ્થાનિકમાં રૂ. ૪૮૮૪નો તોતિંગ ઉછાળો, સોનું રૂ. ૫૫૮ ચમક્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા વૈશ્વિક બુલિયન માર્કેટમાં સલામતી માટેની વ્યાપક માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચવાની સાથે ચાંદીના ભાવ પણ ૧૨ વર્ષની સર્વોચ્ચ ઔંસદીઠ ૩૪ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૪૮૮૪નો તોતિંગ ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનામાં રૂ. ૫૫૬થી ૫૫૮ની તેજી આગળ ધપી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે ૯૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા રહિત ભાવ કિલોદીઠ રૂ. ૪૮૮૪ના ઉછાળા સાથે રૂ. ૯૭,૧૬૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૬ની તેજી સાથે રૂ. ૭૭,૬૫૬ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૫૮ની તેજી સાથે રૂ. ૭૭,૯૬૮ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો :Gold Price Today : દિવાળી પૂર્વે સોના- ચાંદીનો ભાવ ઓલ-ટાઈમ હાઇ, જાણો લેટેસ્ટ ભાવ
તાજેતરમાં મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવ ઉપરાંત અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે સોનામાં સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાનું એએનઝેડના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ૨૭૨૯.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા વધીને ૨૭૩૨.૭૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે ભાવ વધીને ઓલ ટાઈમ હાઈ ઔંસદીઠ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. તેમ જ આજે લંડન ખાતે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૧.૧ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૩૪.૦૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી તીવ્ર રસાકસીના તબક્કામાં પહોંચી હોવાથી તેમ જ મધ્ય પૂર્વનાં દેશોમાં ઈઝરાયલ-લિબિયા-હિઝબુલ્લાહ વચ્ચે તણાવમાં વધારો થવાને કારણે સોનામાં સલામતી માટેની માગનો પ્રબળ ટેકો મળી રહ્યો હોવાથી આ વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૮૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા કેસીએમ ટ્રેડના વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિ વિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.