સોનામાં રૂ. 471નો ચમકારો, ચાંદીમાં રૂ. 13નો સાધારણ સુધારો
વર્ષ 2025ના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ 3100 ડૉલર થવાની ગોલ્ડમેન સાશની ધારણા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ યોજનાઓને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 469થી 471નો ચમકારો આવ્યો હતો. જાકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, ચાંદીમાં વિશ્વ બજારથી વિપરીત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 13નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરા રહિત ભાવ કિલોદીઠ રૂ. 13ના સાધારણ સુધારા સાથે રૂ. 95,959ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત રૂપિયો નબળો પડતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 469 વધીને રૂ. 85,382 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 471 વધીને રૂ. 85,725ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં રોકાણકારોની અમેરિકાની ટેરિફની અનિશ્ચિતતાઓને ધ્યાનમા લેતા સલામતી માટેની માગ જળવાઈ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 2813.79 ડૉલર અને વાયદામાં ભાવ 0.9 ટકા વધીને 2925.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 32.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો : ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો
એકંદરે હાલને તબક્કે સોનામાં સલામતી માટેની માગ ઉપરાંત કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી અને યુરોપના દેશોમાં પુરવઠાખેંચની સ્થિતિને કારણે તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં ફાઈનાન્સિયલ માર્કેટનાં વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતા ઉમેર્યું હતું કે મારા મતે સોનામાં તેજી માટેનાં પરિબળો ખૂબ મજબૂત છે.
નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે હોદ્દો અખત્યાર કરતાની સાથે ચીનથી થતી આયાત સામે 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી અને મેક્સિકોથી થતી આયાત પર તેમ જ કેનેડાથી આયાત થતી નોન એનર્જી ચીજો પર લાદેલી 25 ટકા ટેરિફ મુલતવી રાખી હતી. તેમ જ અન્ય દેશોથી થતી આયાત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પની ટેરિફ યોજનાઓ અને તેની અસરોની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતા ગોલ્ડમેન સાશે વર્ષ 2025ના અંત સુધીમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3100 ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા એક નોટ્સમાં વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે જો નીતિવિષયક અનિશ્ચિતતાઓ લાંબા સમય સુધી ચાલે તો વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ આૈંસદીઠ 3300 ડૉલર સુધી પણ પહોંચી શકે છે.
વધુમાં ગઈકાલે ફેડરલ ગવર્નર મિશેલ બૉમૅને જણાવ્યું હતું કે જો ફેડરલ રિઝર્વને ફુગાવામાં ઘટાડા અંગેનો વિશ્વાસ જોવા મળશે તો ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતની વિચારણા કરશે.