![Before the Fed meeting, gold rose globally, but local silver dropped.](/wp-content/uploads/2024/12/Gold-and-Silver.webp)
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે પ્રત્યેક દેશોથી થતી આયાત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની યોજના જાહેર કરતાં વૈશ્વિક ટ્રેડ વૉરની શક્યતા પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં તેજીની આગેકૂચ જળવાઈ રહેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં તેજી આગળ ધપી હતી, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 339થી 341નો સુધારો આવ્યો હતો અને શુદ્ધ સોનાએ રૂ. 86,000ની સપાટી કુદાવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1945ના ઉછાળા સાથે રૂ. 97,000ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1945ના ઉછાળા સાથે રૂ. 97,794ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 339 વધીને રૂ. 85,744 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 341 વધીને રૂ. 86,089ના મથાળે રહ્યા હતા.જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તેનાં અર્થશાસ્ત્રીઓની ટીમને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન સહિતનાં દેશોને લક્ષ્યાંકિત કરતાં અમેરકાથી આયાત કરી રહેલા દેશો સામે રેસિપ્રોકલ ટેક્સ લાદવાની યોજના ઘડવા નિર્દેશ આપ્યાના અહેવાલો સાથે વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર ઉગ્ર બને તેવી ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.1 ટકા વધીને આૈંસદીઠ 2932.81 ડૉલર અને વાયદામાં ભાવ 0.5 ટકા વધીને 2960.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.9 ટકા ઉછળીને આૈંસદીઠ 32.97 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ટ્રમ્પની રેસિપ્રોકલ ટેક્સની યોજનાથી ટ્રેડ વૉરની સ્થિતિ સર્જાવાના જોખમ ઉપરાંત વિશ્વભરના અર્થતંત્રો પર માઠી અસર પડે તેમ હોવાથી સોનામાં એકતરફી તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં વિશ્લેષક અજય કેડિયાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલ સોનામાં અમુખ અંશે ઓવરબોટ પોઝિશન જણાય છે અને શક્યતઃ 3000 ડૉલર આસપાસની સપાટીએ નફારૂપી વેચવાલી જોવા મળે તેવી શક્યતા જણાય છે.
આ પણ વાંચો : સોના-ચાંદીના ભાવમાં ફરી ચમકારોઃ મુંબઈના માર્કેટમાં આજના લેટેસ્ટ ભાવ જાણો?
વધુમાં અગાઉ અમેરિકાના ફુગાવામાં દોઢ વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યા બાદ ગઈકાલે જાહેર થયેલ જાન્યુઆરી મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં પણ વધારો જોવા ળ્ળ્યો પણ વધી આવ્યો હોવાથી ફેડરલ રિઝર્વ બીજા છમાસિકગાળા પહેલા વ્યાજદરમાં કાપ મૂકે નહીં તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.
જોકે, અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર, રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચેનો વિવાદ શાંત થાય, અમેરિકાનાં રોજગારીનાં ડેટામાં સુધારો અને ફુગાવામાં ઘટાડો થાય અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તો સોનાના ભાવ દબાણ હેઠળ આવે જોકે, આ તમામની નજીકના ભવિષ્યમાં કોઈ શક્યતા ન હોવાનું ટેસ્ટિલાઈવના ગ્લોબલ મેક્રો હેડ ઈલ્યા સ્પાઈવેકે જણાવ્યું હતું.