ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં હજાર રુપિયાનું ગાબડું, જાણો લેટેસ્ટ ભાવ
રૂપિયો નબળો પડતાં સ્થાનિક સોનામાં રૂ. આઠનો સુધારો, ચાંદી રૂ. 1058 ગબડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી થતી આયાત સામે 25 ટકા અને ચીનથી થતી આયાત સામે 10 ટકા ટેરિફ લાદતા આજે શ્શ્વિ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવ 0.6 ટકા અને વાયદામાં 0.7 ટકા તથા ચાંદીના ભાવ 1.3 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ડૉલર મજબૂત થવાને કારણે આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે રૂપિયો 51 પૈસાના ગાબડા સાથે 87ની સપાટી કુદાવી ગયો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે આયાત પડતર વધવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. આઠનો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 1058નું ગાબડું પડ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલી તેમ જ નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1058ના ગાબડાં સાથે રૂ. 92,475ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજારમાં સોનાના ભાવમાં જોવા મળેલો ઘટાડો રૂપિયાની નબળાઈને કારણે સરભર થઈ જતાં સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. આઠના સાધારણ સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 81,765 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 82,094ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 2784.30 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.7 ટકા ઘટીને 2817.23 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 1.3 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 30.91 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સામાન્યપણે ટ્રમ્પની ટેરિફ વૃદ્ધિની જાહેરાત સાથે વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર સર્જાવાની ભીતિને કારણે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળવો જોઈએ પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને આ વર્ષમાં ફેડરલ રિઝર્વ દ્વારા બહુ ઓછી વખત વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જીગર ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : સોનાચાંદીમાં જોરદાર તેજીઃ શુદ્ધ સોનાના ભાવ 81,000 રુપિયાને પાર
નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગત શનિવારે આગામી ચોથી ફેબ્રુઆરીથી કેનેડિયન અને મેક્સિકન આયાત સામે 25 ટકા ટેરિફ લાદવાની અને ચીનથી થતી આયાત સામે 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમ જ વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેરિફમાંથી કોઈ છૂટછાટ આપવામાં નથી આવી. ટ્રમ્પની આ જાહેરાતના પ્રત્યાઘાતમાં કેનેડા અને મેક્સિકોએ વળતા પગલાં લેવામાં આવશે, એવું જણાવ્યું હતું, જ્યારે ચીને આ ટેરિફ વૃદ્ધિને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પડકારવામાં આવશે, એમ જણાવ્યું હતું.
વધુમાં કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે સોનામાં જોવા મળેલા ઘટાડાને પુલબેક રેલી ગણાવતાં જણાવ્યું હતું કે આૈંસદીઠ 2750 ડૉલરની સપાટી મહત્ત્વની પુરવાર થશે. જોકે, સિટી બૅન્કની એક નોટ્સમાં જણાવ્યું હતું કે જો ટેરિફ વૉર વધુ વકરે તો સોનાના ભાવ આૈંસદીઠ 3000 ડૉલર સુધી પહોંચી શકે છે. આ સિવાય જે પી મોર્ગને એક નોંધમાં જણાવ્યું હતું કે ટેરિફ વૃદ્ધિને કારણે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ વધે તો રોકાણનો પ્રવાહ સોના તરફ ફંટાતા આગામી મધ્યમ સમયગાળા દરમિયાન સોનામાં તેજીનો સંચાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.