આમચી મુંબઈવેપારશેર બજાર

વિશ્વ બજાર પાછળ સોનું રૂ. ૫૭૨ ઝળકીને ફરી રૂ. ૭૬,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૧૪૫૪ ઉછળી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલે અમેરિકાના રિટેલ વેચાણ, ઔદ્યોગિક ઉત્પાદન અને બેરોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૨ ઉછળીને ફરી રૂ. ૭૬,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીએ કિલોદીઠ રૂ. ૧૪૫૪ના ઉછાળા સાથે રૂ. ૯૧,૦૦૦ની સપાટી કુદાવી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૫૪ ઉછળીને રૂ. ૯૧,૨૫૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ દરિયાપારના પ્રોત્સાહક અહેવાલે તેજીનું વલણ રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૦ વધીને રૂ. ૭૬,૧૯૬ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭૨ વધીને રૂ. ૭૬,૫૦૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યો હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની સમીક્ષાની બેઠકમાં ધ્યાનમાં રાખે તેવા રિટેલ વેચાણ, ઔદ્યોગિક ઉત્પાદન અને સાપ્તાહિક ધોરણે જાહેર થતાં બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજીઓની સંખ્યા જેવાં ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને વિક્રમ ભાવસપાટીથી માત્ર ૧૧ ડૉલર છેટે ઔંસદીઠ ૨૬૭૪.૩૮ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૬૯૦.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૩૧.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો : ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૭૧નો અને ચાંદીમાં ₹ ૨૨૬નો ઘટાડો

તાજેતરમાં અમેરિકી ફેડરલ રિઝર્વે અપનાવેલું હળવી નાણાનીતિનું વલણ સોના માટે ગેમચેન્જર પુરવાર થયું હોવાથી ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું છે. વધુમાં અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના રાજકીય-ભૌગોલિક તણાવને કારણે નીકળેલી સલામતી માટેની માગ તેજીને ઈંધણ પૂરું પાડી રહ્યા હોવાનું એએનઝેડ કૉમૉડિટીનાં સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવતાં ઉમેર્યું હતું કે જો અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવે તો આગામી ટૂંકા સમયગાળામાં સોનાના વૈશ્વિક ભાવ ઔંસદીઠ ૨૭૦૦ ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા છે.

વધુમાં રોઈટર્સના વિશ્લેષક વૉન્ગ તાઓએ જણાવ્યું હતું કે જો હાજરમાં ભાવ ઔંસદીઠ ૨૬૬૬ ડૉલરની ટેકાની સપાટી વટાવે તો ભાવ પુન: ઔંસદીઠ ૨૬૮૫ ડૉલરની સપાટીએ પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, ગઈકાલે લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનની વાર્ષિક સભામાં ઉદ્યોગ વર્તુળોએ આગામી ૧૨ મહિનામાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૯૪૧ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૬-૭ નવેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૯૭.૨ ટકા શક્યતા આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો મૂકી રહ્યા હતા. વધુમાં ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડનાં પ્રમુખ મેરી ડેલેએ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતનું વલણ જાળવી રાખે તેવી ધારણા વ્યક્ત કરી હતી, જ્યારે એટલાન્ટા ફેડના પ્રમુખ રાફેલ બોસ્ટિકે શેષ વર્ષમાં વધુ એક ૨૫ બેસિસ પૉઈન્ટના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button