ઇન્ટરનેશનલનેશનલવેપારસ્પેશિયલ ફિચર્સ

વૈશ્વિક ચાંદી એક ટકો તૂટતાં સ્થાનિક ચાંદીમાં રૂ. ૧૩૮૫ તૂટ્યા, સોનામાં રૂ. ૩૨૭નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોનો સાવચેતીનો અભિગમ, ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ધીમો ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૮૫ તૂટ્યા હતા, જ્યારે સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૬થી ૩૨૭નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે ૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩૮૫ના કડાકા સાથે રૂ. ૯૧,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૯૦,૫૫૫ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ નરમાઈનું વલણ ઉપરાંત રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯૫ ટચ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૬ ઘટીને રૂ. ૭૫,૩૦૩ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૨૭ ઘટીને રૂ. ૭૫,૬૦૮ના મથાળે રહ્યા હતા.

આવતીકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત થવાની હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. વધુમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહેતાં હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૬૩૯.૪૫ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. જોકે, આજે હિઝબુલ્લાએ ઈઝરાયલના ત્રીજા ક્રમાંકના સૌથી મોટા શહેર હૈફા પર રોકેટ હુમલા કર્યાના અહેવાલને પગલે સોનામાં છૂટીછવાઈ સલામતી માટેની માગને ટેકે ભાવઘટાડો અટક્યો હતો. જોકે, વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૬૧.૮૦ ડૉલર અને ચાંદીના ભાવ એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૩૧.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડની મજબૂતીને કારણે હાલમાં સોનાએ તેજીનો તાલ ગુમાવ્યો હોવા છતાં મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવ અને ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે સલામતી માટેની માગનો ટેકો જરૂર મળી રહ્યો હોવાનું કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.

જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની આવતીકાલની જાહેરાત, ગુરુવારે જાહેર થનારા ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ તેમ જ શુક્રવારે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ પર સ્થિર થઈ છે અને ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં અનપેક્ષિત વધારો જોવા મળે તો ડૉલર ઈન્ડેક્સમાં વધારો થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા વૉટરરે વ્યક્ત કરી હતી.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૮૭ ટકા શક્યતા ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા. દરમિયાન ગઈકાલે સેન્ટ લુઈસ ફેડના પ્રમુખ આલ્બર્ટો મુસાલેમે આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે વ્યાજદરમાં વધુ વધારા અંગે તરફેણ કરી હોવાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker