વેપાર

સોનામાં રૂ. ૬૬ અને ચાંદીમાં રૂ. ૧૮૫નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકાનાં આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ જાળવી રાખતા આજે લંડન ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૮૫નો ઘસરકો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૮૫ ઘટીને રૂ. ૮૮,૪૮૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૨૬૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૫૪૯ના મથાળે રહ્યા હતા.

આગામી ગુરુવારે અમેરિકાનાં વર્ષ ૨૦૨૪ના પહેલા ત્રિમાસિકગાળાના જીડીપીનાં ડેટાની જાહેરાત અને શુક્રવારે મે મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપિન્ડિચર ઈન્ડેક્સની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ જાળવી રાખતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૨૪.૬૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ૨૩૩૬.૮૦ ડૉલર તથા ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

સામાન્યપણે ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગેનો નિર્ણય ફુગાવના ડેટાને ધ્યાનમાં રાખીને લેતી હોય છે અને જો આગામી શુક્રવારે જો ફુગાવાના ડેટા મજબૂત આવ્યા તો સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૩૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એમ ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં એનાલિસ્ટ કેલ્વિન વૉંગે જણાવ્યું હતું.

દરમિયાન ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ મેરી ડેલીએ જણાવ્યું હતું કે મારું માનવું છે કે જ્યાં સુધી ફુગાવો બે ટકાનાં લક્ષ્યાંક તરફ જઈ રહ્યો છે તેવો ફેડરલને વિશ્ર્વાસ નહીં થાય ત્યાં સુધી ફેડરલનાં નીતિઘડવૈયાઓ વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્ણય નહીં લે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button