અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૦૪નો અને ચાંદીમાં ₹ ૧૨૦૦નો ચમકારો

મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ વધી આવ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો આગળ વધ્યો હતો, જેમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૩થી ૪૦૪ વધી આવ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨૦૦નો ચમકારો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૦૦ના ચમકારા સાથે રૂ.૮૩,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૮૩,૪૦૭ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૩ વધીને રૂ. ૭૧,૭૦૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૦૪ વધીને રૂ. ૭૧,૯૯૪ના મથાળે રહ્યા હતા.
અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની આજે મોડી સાંજે થનારી જાહેરાત ઉપરાંત આવતીકાલે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત પૂવે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૫૨૧.૨૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ૨૫૫૦.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૬ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે અમેરિકા ખાતેની પ્રેસિડેન્શિયલ ડિબેટ અને ત્યાર બાદ ફુગાવાની જાહેરાત પર રોકાણકારોની નજર હોવાથી સોનાના ભાવમાં સાંકડી વધઘટ સાથે મક્કમ અન્ડરટોન જોવા મળ્યો હોવાનું ટીડી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ ઘલીએ જણાવતાં ઉમેર્યું હતું કે ફુગાવા અને ઉત્પાદનના ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં કેટલી માત્રામાં કાપ મૂકવો તે અંગે નિર્ણય લે તેમ હોવાથી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો છે.
રૉઈટર્સના સર્વેક્ષણ અનુસાર અમેરિકા ખાતે જાહેર થનારા ફુગાવામાં માસાનુમાસ ધોરણે ૦.૨ ટકા વૃદ્ધિ થવાની ધારણા મૂકવામાં આવી છે. જોકે, એક્સિનિટી જૂથના ચીફ માર્કેટ એનાલિસ્ટ હેન ટેનના મતાનુસાર હાલ સોનામાં ૨૫૦૦ ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી આસપાસ ટેકો મળી રહ્યો છે. જો ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો તો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં મોટી માત્રામાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ બનતા સોનામાં તેજીનું વલણ જોવા મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૨૧ ટકા જેટલો વધારો થયો છે અને એક તબક્કે ભાવ વધીને ઔંસદીઠ ૨૫૩૧ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા.