સોનામાં ₹ ૬૨નો ધીમો સુધારો, ચાંદી ₹ ૧૨૦૪ ચમકી
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ગત પાંચમી સપ્ટેમ્બર પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયા બાદ આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીના આકર્ષણે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૦૪ વધી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૯ પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી સોનાના ભાવમાં સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨નો સુધારો આવ્યો હતો.
આજે લંડન ખાતે સત્રના આરંભે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧.૨ ટકાની તેજી આવી હોવાના અહેવાલે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૦૪ની તેજી સાથે રૂ. ૭૩,૧૭૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ ડૉલર સામે રૂપિયો મજબૂૂત થવાને કારણે ભાવવધારો ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨ સુધી મર્યાદિત રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૮,૮૯૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૧૩૪ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદે આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ગત પાંચમી સપ્ટેમ્બર પછીનો સૌથી મોટો ઘટાડો નોંઘાયા બાદ આજે ડૉલર તથા ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ૦.૩ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૨૪.૭૦ ડૉલર અને ૧૯૪૫.૪૦ ડૉલર આસપાસ અને ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૬૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વૈશ્ર્વિક અગ્રણી કેન્દ્રવર્તી બૅન્કોએ વધતા ફુગાવાને ડામવા માટે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાના સંકેતો આપ્યા હોવાથી ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડ વધવાને કારણે વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની સલામતી માટેની માગ ખોડંગાઈ રહી હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં ૪૬ ટકા બજાર વર્તુળો નવા વર્ષ પૂર્વે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં હજુ એક વખત વધારો કરશે એવી ધારણા મૂકી રહ્યો છે, જ્યારે ૪૪ ટકા બજાર વર્તુળો વર્ષ ૨૦૨૪ના પહેલા છમાસિકગાળામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે તેવું માની રહ્યા છે.