વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૮૩૬ની ઝડપી તેજી, ભાવ ₹ ૭૯,૦૦૦ની પાર
ઊંચા મથાળેથી વર્ષ ૨૦૨૪માં સોનાની માગ ચાર વર્ષના તળિયે પહોંચશે: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશમાં સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા દિવાળીના તહેવારોમાં વૈશ્ર્વિક બજાર પાછળ ભાવમાં આગઝરતી તેજીનું વલણ જળવાઈ રહેતાં સાર્વત્રિક સ્તરેથી માગ પર માઠી અસર પડી રહી છે. આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોનાં રાજકીય-ભૌગોલિક તણાવને પગલે કિંમતી ધાતુઓમાં સલામતી માટેની વ્યાપક માગ જળવાઈ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હતો. સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના વેરા રહિતના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩૨થી ૮૩૬ના ઉછાળા સાથે રૂ. ૭૯,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૬૭ વધીને રૂ. ૯૮,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
એકંદરે આ વર્ષે વિશ્ર્વ બજાર પાછળ ભાવ વધી આવ્યા છે અને તેમાં પણ ખાસ કરીને દશેરા અને દિવાળી જેવાં તહેવારોને ટાંકણે સ્થાનિક સ્તરે વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી વૉલ્યુમમાં ઘટાડો થવાને કારણે વર્ષ ૨૦૨૪માં દેશમાં સોનાની માગ ગત સાલના ૭૬૧ ટન સામે ઘટીને ચાર વર્ષની નીચી ૭૦૦થી ૭૫૦૦ ટન આસપાસની સપાટીએ રહે તેવી શક્યતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર સચીન જૈને વ્યક્ત કરી હતી. આજે ૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીના આકર્ષણ સાથે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૬૭ વધીને રૂ. ૯૮,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૯૮,૦૪૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ તેજીનું વલણ જળવાઈ રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩૨ના ઉછાળા સાથે રૂ. ૭૯,૨૬૨ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૩૬ વધીને રૂ. ૭૯,૫૮૧ના મથાળે રહ્યા હતા. જોકે, તેજીના આ માહોલમાં દિવાળીના સપરમા તહેવારોમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકોની માગ પ્રબળ રહી હોવા છતાં અપેક્ષિત વૉલ્યુમમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ જળવાઈ રહેતાં સોનામાં સલામતી માટે માગને ટેકે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૭૬૯.૨૫ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે ભાવ વધીને નવી ૨૭૮૩.૯૬ ડૉલરની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ આજે વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૨૭૮૧.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૯ ટકા વધીને ઔંસદીઠ ૩૪.૩૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
તાજેતરમાં સોનાને અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતાનો ટેકો મળી રહ્યો છે અને આગામી ટૂંકા સમયગાળા માટે ઔંસદીઠ ૨૮૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ છે અને જો આ સપાટી પાર થાય તો ભાવ વધીને ૨૮૨૬ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગો વ્યક્ત કરી હતી. જોકે, રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના એડીપી એમ્પ્લોયમેન્ટ ડેટા પર તેમ જ આવતીકાલે જાહેર થનારા ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે જો ફુગાવામાં વધારો અને જોબ ડેટા મજબૂત આવે તો સોનાની ગાડી તેજીના પાટા પરથી ઉતરે તેવી શક્યતા નકારી ન શકાય.
વધુમાં આજે ગોલ્ડમેન સાશે આગામી ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ માટે અગાઉ જે ઔંસદીઠ ૩૦૮૦ ડૉલરનો અંદાજ મૂક્યો હતો તે ઘટાડીને ૩૦૦૦ ડૉલરનો મૂક્યો હતો. તેમ છતાં એકંદરે વર્ષ દરમિયાન તેજીનું વલણ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરવાની સાથે વેસ્ટર્ન એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડના હોલ્ડિંગમાં સાત ટકા વધારો થવાની ધારણા વ્યક્ત કરી હોવાના અહેવાલ હતા.