વેપાર

વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં ₹ ૨૨૩નો અને ચાંદીમાં ₹ ૪૫૪નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેવાની સાથે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૨થી ૨૨૩નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો આગળ ધપ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૫૪ વધી આવ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સોનાાંમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ઘટ્યા મથાળેથી રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવાથી તેમ જ ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૨ વધીને રૂ. ૬૨,૧૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૩ વધીને રૂ. ૬૨,૪૧૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૫૪ વધીને રૂ. ૭૧,૮૪૦ના મથાળે રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બનતા વર્ષ ૨૦૨૪ના આરંભમાં વૈશ્ર્વિક સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા બાદ અમેરિકામાં ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૦૩૬.૧૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩૯ ટકાના સુધારા સાથે ૨૦૪૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૦૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ગઈકાલે એટલાન્ટા ફેડનાં પ્રમુખ રાલ્ફ બોસ્ટિકે જણાવ્યું હતું કે હજુ અમેરિકામાં ફુગાવો બે ટકાની સપાટીની ઉપર હોવાથી આગામી ટૂંકા સમયગાળા સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદર ઊંચી સપાટીએ જ રાખે તેમ જણાય છે. આમ હવે ફેડરલનાં સભ્યો વહેલાસર વ્યાજ કપાતની શક્યતા નકારી રહ્યા હોવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર પણ ટ્રેડરો આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શક્યતા જે અગાઉ ૭૦ ટકા જેટલી વ્યક્ત કરી રહ્યા હતા તેની સામે હવે ૫૯.૪ ટકા જેટલી જ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker