સોનામાં ₹ ૧૪૩નો અને ચાંદીમાં ₹ ૧૧૬નો સુધારો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે આક્રમક નાણાનીતિના સંકેતો આપતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ઘટીને ગત ૧૮ ઑક્ટોબર પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે પણ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મક્કમ વલણ રહેતાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. એકંદરે આજે વૈશ્ર્વિક સોનામાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં આજેે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૨૦ પૈસા ઘટ્યા બાદ અંતે ત્રણ પૈસા ધટીને બંધ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૩ નો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૧૬ વધી આવ્યા હતા. મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવને કારણે તાજેતરમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનો અન્ડરટોન જોવા મળી રહ્યો હોવાથી ગત સાલના ધનતેરસના દિવસના ભાવની તુલનામાં અંદાજે ૨૦ ટકા જેટલો વધારો થયો હોવાથી જ્વેલરો આ વર્ષે સાવચેતીના અભિગમ સાથે ધનતેરસના દિવસની માગમાં સાધારણ ૧૦ ટકા જેટલી વૃદ્ધિનો આશાવાદ રાખી રહ્યા છે. આજે ધનતેરસના દહાડે જ ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૩ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૯૯૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૨૪૦ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ વધ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી શુકન પૂરતી જોવા મળી હતી. જ્યારે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૬ વધીને રૂ. ૭૦,૪૧૬ના મથાળે રહ્યા હતા. ફુગાવા સામેની લડતનો અંત લાવવા માટે તાજેતરમાં વ્યાજદરમાં કરવામાં આવેલો વધારો પર્યાપ્ત છે, એવી કોઈ ખાતરી ન હોવાનું ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવતાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી ન્યૂ યોર્ક ખાતે સોનાચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે પણ ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડમાં મક્કમ વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૫૧.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૭ ટકા ઘટીને ૧૯૫૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૫૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જૅરૉમ પૉવૅલનાં આક્રમક નાણાનીતિના સંકેતો સાથે હવે ટ્રેડરો આગામી જૂન મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા છે. આમ એકંદરે ઊંચા વ્યાજદરને કારણે વ્યાજની ઊપજ ન આપતી સોના જેવા અસ્ક્યામતોમાં રોકાણકારો રોકાણથી દૂર રહેતા હોય છે, એમ વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૯૪૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થઈ શકે છે અને જો આ સપાટી તૂટે તો ભાવ ૧૯૦૦ ડૉલર સુધી ઘટી શકે છે.
ઑક્ટોબરમાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં ₹ ૮૪૧ કરોડનું રોકાણ
નવી દિલ્હી: ગત ઑક્ટોબર મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહેતાં રૂ. ૮૪૧ કરોડનું રોકાણ આકર્ષાયું હતું, જે આગલા મહિનાના રૂ. ૧૭૫ કરોડની તુલનામાં વધુ છે.
વધુમાં ગત ઑક્ટોબર મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આતરપ્રવાહ ઉપરાંત ફંડની અસ્ક્યામતોમાં પણ વધારો થયો હોવાનું એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
દરમિયાન ગઈકાલે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો થયો હોવાથી ધનતેરસ-દિવાળી પૂર્વે દેશમાં સોના-ચાંદીમાં ખરીદીનો સળવળાટ શરૂ થયો હોવાનું મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર ઈન્ડિયાનાં મૅનૅજર અને વિશ્ર્લેષક મેલ્વિન સેન્ટારિટાએ જણાવતાં ઉમેર્યું હતું કે મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વનાં વ્યાજદર વધારાની ચિંતા વચ્ચે વધતા ફુગાવા સામેની હેજરૂપી અને સલામતી માટેની માગ જળવાઈ રહે તેવી શક્યતા છે. તેમ જ તાજેતરમાં સોનાના ભાવ ઊંચી સપાટીએથી થોડાઘણાં અંશે પાછા ફર્યા હોવાને કારણે પણ માગને ટેકો મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.
એમ્ફીની આંકડાકીય માહિતી અનુસાર ગત ઑક્ટોબર મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણકારોનો આંતરપ્રવાહ સપ્ટેમ્બર મહિનાના રૂ. ૧૭૫.૩ કરોડ સામે વધીને રૂ. ૮૪૧ કરોડ રહ્યો હતો. જોકે, તે પૂર્વે ઑગસ્ટ મહિનામાં આંતરપ્રવાહ ૧૬ મહિનાની ઊંચી રૂ. ૧૦૨૮ કરોડની સપાટીએ રહ્યો હતો અને જુલાઈ મહિનાનો આંતરપ્રવાહ રૂ. ૪૫૬ કરોડ હતો.
આ પૂર્વે એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં અગાઉ સતત ત્રણ ત્રિમાસિકગાળા સુધી બાહ્ય પ્રવાહ જોવા મળ્યા બાદ રૂ. ૨૯૮ કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે અગાઉ માર્ચ અંતના ત્રિમાસિકગાળામાં રૂ. ૧૨૪૩ કરોડનો, ડિસેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં રૂ. ૩૨૦ કરોડનો અને સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં રૂ. ૧૬૫ કરોડનો બાહ્ય પ્રવાહ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી સોનામાં આકર્ષક વળતર મળી રહ્યું હોવાથી રોકાણકારોમાં આકર્ષણ વધવાને કારણે ફોલિયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત ઑક્ટોબર મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં ફોલિયોની સંખ્યા જે સપ્ટેમ્બર અંતે જે ૪૮.૦૬ લાખની હતી તે વધીને ૪૮.૩૪ લાખના સ્તરે રહી હોવાનું એમ્ફીએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.