વેપાર

ઘટ્યા મથાળેથી માગ ખૂલતા વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 1293નો અને ચાંદીમાં રૂ. 1016નો ઉછાળો

મુંબઈઃ વૈશ્વિક સ્તરે સોનામાં રોકાણકારોની સલામત માટેની માગમાં ઘટાડો થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવા છતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન નીચા મથાળેથી બન્ને કિંમતી ધાતુઓમાં રોકાણકારોની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નીકળી હતી. તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થતાં ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1288થી 1293નો ઉછાળો આવ્યો હતો અને ભાવ પુનઃ રૂ. 93,000ની સપાટી પાર કરી ગયા હતા તથા ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1016 વધીને રૂ. 95,000ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં મધ્ય સત્ર દરમિયાન વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1288 વધીને રૂ. 93,283 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1293 વધીને રૂ. 93,658ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં પણ ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1016 વધીને રૂ. 95,588ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં 0.2 ટકાનો સુધારો આવ્યો હોવાથી અને રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ નિરસ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 3221.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં નવેમ્બર, 2024 પછીનો સૌથી મોટો ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે. વધુમાં આજે સોનાના વાયદામાં પણ ભાવ 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 3224.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ચાંદીના ભાવ 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 32.44 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાંચો:  જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ

અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરનો તણાવ હળો થતાં આ સપ્તાહ દરમિયાન સોનામાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું ટેસ્ટીલિવનાં ગ્લોબલ મેક્રો વિભાગના હેડ ઈલ્યા સ્પિવીકે જણાવતા ઉમેર્યું હતું કે આ સપ્તાહના આરંભે ચીન અને અમેરિકા એપ્રિલના આરંભમાં લાદવામાં આવેલી ઊંચી ટૅરિફમાં કામચલાઉ ધોરણે ઘટાડવા સહમત થયા હતા.

દરમિયાન ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના એપ્રિલ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં અનપેક્ષિતપણે ઘટાડો જોવા મળ્યો હતો અને રિટેલ વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. તે પૂર્વે રિટેલ ફુગાવામાં પણ ઘટાડો થયો હોવાથી ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના ગવર્નર માઈકલ બારે જણાવ્યું હતું કે અમેરિકી અર્થતંત્રમાં મજબૂત વલણ જોવા મળ્યું છે અને ફુગાવો પણ ફિડરલના બે ટકાનાં લક્ષ્યાંક નજીક જઈ રહ્યો છે. તેમ છતાં અર્થતંત્રની ભવિષ્યની સ્થિતિનો આધાર અમેરિકાની વેપાર નીતિઓ પર વધુ અવલંબિત છે. પરંપરાગત ધોરણે સોનામાં રોકાણકારોની આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના સંજોગોમાં સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ હાલના તબક્કે આવા પરિબળોનો અભાવ હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકાની વેપાર નીતિની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા સોનામાં દરેક ઘટાડે રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button