વેપાર

સોનામાં ₹ ૫૫૪નો ચમકારો, ચાંદી ₹ ૪૨૨નો ઘટાડો

મુંબઈ: મધ્યપૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ભીતિ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ એક સપ્તાહની ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૨૨નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં ઓવનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૨થી ૫૫૪નો ચમકારો જોવા મળ્યો હતો. આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૨૨ ઘટીને રૂ. ૮૦,૭૦૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૨ વધીને રૂ. ૭૦,૧૬૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫૪ વધીને રૂ. ૭૦,૪૪ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવ વધી આવ્યા હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ એક ટકા ઉછળીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૬૫.૪૨ ડૉલર અને વાયદામાં ભાવ સાધારણ નરમાઈ સાથે ઔંસદીઠ ૨૫૦૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અને આવતીકાલે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી આજે નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડનાં માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. જોકે, પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અથવા તો ફુગાવામાં ૦.૨ ટકા જેટલો વધારો થવાની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ જ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૫૦ ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર વ્યક્ત થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button