વેપાર

સોનામાં ₹ ૨૯૮ની આગેકૂચ, ચાંદીએ ₹ ૧૦૧૬ની તેજી સાથે ₹ ૭૬,૦૦૦ની સપાટી કુદાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં માર્ચ મહિનાના ઉત્પાદનના ડેટા પ્રોત્સાહક આવતાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં વૈશ્ર્વિક સોનું જે ગઈકાલે ઔંસદીઠ ૨૨૬૬.૫૯ ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું તે પાછું ફર્યું હતું. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં ભાવ અનુક્રમે ૦.૫ ટકા અને ૧.૨ ટકા તથા ચાંદીના ભાવ ૨.૩ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો નબળો પડવાથી આયાત પડતર વધવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૭થી ૨૯૮ની અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૦૧૬ની તેજી સાથે રૂ. ૭૬,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.

વધુમાં ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ માત્ર ફુગાવાને ધ્યાનમાં નથી લેતી પરંતુ અર્થતંત્રની સ્થિતિ પર પણ બારીકાઈથી નજર રાખી રહી છે. તાજેતરનાં ઉત્પાદનના પ્રોત્સાહક ડેટા અમેરિકન અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે આથી અમારે વ્યાજદરમાં કાપ મૂકવાની ઉતાવળ ન કરવી જોઈએ. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૧૬ વધીને રૂ. ૭૬,૧૨૭ના મથાળે રહ્યા હતા. જોકે, ચાંદીમાં ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. વધુમાં આજે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલી નિરસ રહી હતી.

તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૭ વધીને રૂ. ૬૮,૬૮૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૯૮ વધીને રૂ. ૬૮,૯૬૧ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપની શરૂઆત કરે તેવા આશાવાદે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૨૬૬.૫૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ ગત માર્ચ મહિનામાં અમેરિકા ખાતે ઉત્પાદન ક્ષેત્રમાં દોઢ વર્ષમાં પહેલી વખત ઉત્પાદન વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકશે કે કેમ તે અંગેની ચિંતા સપાટી પર આવતાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૨૬૨.૫૧ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૨૮૩.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૨.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૫.૬૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે ફેડરલ રિઝર્વ વર્ષમાં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકે તે અંગેની શંકા સપાટી પર આવવાથી ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડ વધી આવવાની સાથે અમુક અંશે બજારમાં ઓવરબોટ પોઝિશન હોવાથી સોનાના ભાવ વિક્રમ સપાટીએથી દબાણ હેઠળ આવ્યા હોવાનું કેસીએમ ર્ટેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે અમેરિકાનાં ઉત્પાદનના પ્રોત્સાહક ડેટા પશ્ર્ચાત્ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ જૂનથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ૬૧ ટકા બજાર વર્તુળો ધારણા મૂકી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker