ઘટ્યા મથાળેથી સોનામાં ₹ ૨૬૮નો અને ચાંદીમાં ₹ ૨૧૧નો સુધારો
મુંબઈ: અમેરિકાના આર્થિક ડેટાઓની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૭થી ૨૬૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૧૧નો સુધારો આવ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના વાયદાના ભાવમાં એક ટકા જેટલો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં ૯૯૯ ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૧ વધીને રૂ. ૮૦,૮૯૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૭ વધીને રૂ. ૭૧,૮૦૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૬૮ વધીને રૂ. ૭૨,૦૯૪ના મથાળે રહ્યા હતા. જોકે, હાલની ભાવ સપાટી ઊંચી હોવાને કારણે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહે છે, જ્યારે રોકાણકારો અને સ્ટોકિસ્ટો પણ નવી લેવાલીથી દૂર રહેતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહેતાં સત્રના આરંભે હાજરમાં ભાવ નરમાઈતરફી રહ્યા બાદ ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૩૨૮.૯૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૩૨૫.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને ઔંસદીઠ ૨૭.૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. તાજેતરમાં સોનામાં સલામતી માટેની માગ ખસી જવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું છે. તેમ જ હવે રોકાણકારો ફરી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવાની શરૂઆત કરશે તેની અટકળો મૂકી રહ્યા છે. આથી હાલમાં તેઓની નજર અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાતો પર સ્થિર થઈ છે. આમ હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં જીડીપીના ડેટા અને આવતીકાલે જાહેર થનારા પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટાની જાહેરાત પર સ્થિર થઈ છે.
વિશ્ર્લેષકોના મતાનુસાર હવે ફેડરલ દ્વારા વ્યાજદરમાં કાપ અંગેનાં સ્પષ્ટ અણસાર ન મળે ત્યાં સુધી વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે.