વેપાર

ઘટ્યા મથાળેથી સોનામાં ₹ ૨૨૮નો અને ચાંદીમાં ₹ ૬૮૦નો સુધારો

મુંબઈ: અમેરિકાનાં આર્થિક ડેટાઓની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. આજે હાજરમાં સત્રના અંતે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૭થી ૨૨૮ વધી આવ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૮૦ વધી આવ્યા હતા. આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૮૦ની તેજી સાથે રૂ. ૮૦,૬૮૭ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૭ વધીને રૂ. ૭૧,૫૩૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૮ વધીને રૂ. ૭૧,૮૨૬ના મથાળે રહ્યા હતા. તાજેતરમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં હાલની સપાટી પણ ઊંચી હોવાથી બજારમાં રિટેલ સ્તરની અપેક્ષિત માગનો વસવસો જણાઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૧૪.૯૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકા ઘટીને ૨૩૨૮.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. રૉઈટર્સના વિશ્ર્લેષકોના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૩૩૬ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને ૨૩૧૧ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે.

એકંદરે હાલમાં રોકાણકારોની નજર ફુગાવાનાં ડેટા અને બૅન્ક ઑફ જાપાનની નીતિવિષયક બેઠક પર હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૩૦૦થી ૨૩૫૦ ડૉલરની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા સિટી ઈન્ડેક્સનાં એનાલિસ્ટ મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આવતીકાલે ગુરુવારે અમેરિકાનાં જીડીપીના ડેટાની તથા શુક્રવારે પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટાની જાહેરાત થવાની છે. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆત ક્યારથી કરશે તેનો આધાર આ ડેટા પર હોવાથી રોકાણકારો મીટ માંડીને બેઠા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button