સલામતી માટેની માગ અને રેટ કટના આશાવાદે સોનામાં ₹ ૨૨૭નો અને ચાંદીમાં ₹ ૮૬૧નો ઉછાળો
મુંબઈ: આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગેનાં નિર્ણય પર વધુ અસર થશે તેવી શક્યતા અને ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ ઉપરાંત મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાની ભીતિ સાથે સલામતી માટેની માગ ખૂલતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૬થી ૨૨૭નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૮૬૧નો ઉછાળો આવ્યો હતો. આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૬૧ના ઉછાળા સાથે રૂ. ૮૧,૧૨૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૬ વધીને રૂ. ૬૯,૬૧૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૭ વધીને રૂ. ૬૯,૮૯૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હતી.
આગામી બુધવારે થનારી અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય ભૌગોલિક તણાવ વધતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગ વધતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૪૪૨.૩૮ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૨૪૮૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાં હતાં, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૧.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
કિવની લશ્કરી પ્રવૃત્તિઓ વધતાં રશિયાએ યુક્રેનની સરહદ નજીકનું ગામ ખાલી કરાવ્યું હોવાના અહેવાલો વહેતા થતાં આજે સોનામાં સલામતી માટેની માગમાં વધારો થયો હતો. તેમ છતાં ટ્રેડરો અને રોકાણકારોની નજર અમેરિકાના ફુગાવાના ડેટા પર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં માસાનુમાસ ધોરણે ૦.૨ ટકાનો વધારો થવાની શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ૫૪ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે.