વિશ્ર્વ બજાર પાછળ સોનું ₹ ૮૩૭ ઝળક્યું, ચાંદી ₹ ૨૦૩૦ ઊછળી
ડૉલર સાત મહિનાના તળિયે જતાં વૈશ્ર્વિક સોનું નવી વિક્રમ સપાટી આસપાસ
મુંબઈ: આવતીકાલે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ અને સપ્તાહના અંતના જેક્સન હૉલ ખાતેનાં વક્તવ્યમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ વ્યાજદરમાં કપાતનો અણસાર આપે છે કે નહીં તેના પર રોકાણકારોની મીટ હોવા છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ સાત મહિનાની નીચી સપાટી સુધી ગબડી જતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૦.૮ ટકાના ઉછાળા સાથે નવી ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ચાંદીના ભાવમાં પણ એક ટકા જેટલા વધીને ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૦૩૦ની અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩૭ની ઝડપી તેજી જોવા મળી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો છે. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૦૩૦ના ઉછાળા સાથે રૂ. ૮૫,૩૨૧ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી નીકળી હતી. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩૪ વધીને રૂ. ૭૧,૬૫૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૩૭ વધીને રૂ. ૭૧,૯૪૫ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભમાં સાવચેતીના અભિગમ વચ્ચે હાજર અને વાયદાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ ડૉલર ઈન્ડેક્સ ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ પહોંચતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૫૨૪.૮૮ ડૉલર આસપાસ અને ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૯.૭૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે એશિયન બજારમાં સત્રના આરંભમાં રોકાણકારોનાં સાવચેતીના અભિગમ વચ્ચે સોનામાં તેજી નબળા ડૉલર પર સવાર થઈ હતી. જોકે, ટેક્નિકલ દૃષ્ટિએ આંતરપ્રવાહ મજબૂત જ છે અને ભાવ ઔંસદીઠ ૨૬૬૫ ડૉલર સુધી પહોંચી શકે તેમ હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ જૂન રૉન્ગે જણાવ્યું હતું. ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ, કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી અને મધ્યપૂર્વનાં દેશોમાં તણાવને કારણે સલામતી માટે સોનામાં માગ જળવાઈ રહેતાં આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૨૦ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.