સોનામાં ₹ ૪૫૮નો અને ચાંદીમાં ₹ ૧૩૮૩નો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે બેરોજગારી ભથ્થુ મેળવનારાઓની અરજીની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થયો હોવાના અહેવાલ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી આવ્યા હતા. આમ ગઈકાલના પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૬થી ૪૫૮નો ચમકારો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩૮૩ ઉછળીને રૂ. ૮૦,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે વૈશ્ર્વિક ચાંદીના ભાવ ઔંસદીઠ ૨૭ ડૉલરની સપાટી કુદાવી ગયા હોવાથી આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૮૩ ઉછળીને રૂ. ૮૦,૨૬૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં નીચલા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૬ વધીને રૂ. ૬૯,૩૮૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૫૮ વધીને રૂ. ૬૯,૬૬૩ના મથાળે રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૨૪.૦૩ ડૉલર અને વાયદામાં ભાવ ૨૪૬૩.૧૦ ડૉલરના મથાળે ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૩ ટકાના સાધારણ ઘટાડા સાથે ઔંસદીઠ ૨૭.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગઈકાલે અમેરિકામાં સપ્તાહ દરમિયાન બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં ઘટાડો થયો હોવાના અહેવાલને ધ્યાનમાં લેતાં આર્થિક મંદીની ચિંતા હળવી થતા ન્યૂ યોર્ક ખાતે સોનાના હાજર ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. એકંદરે વર્તમાન સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં મોટી ચડ-ઉતર જોવા મળી છે. આ સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સ્તરે રોકાણકારોની ઈક્વિટીમાં ભારે વેચવાલી રહી હોવાથી સોનામાં પણ વેચવાલીનું પ્રેશર રહેતાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ગત સાતમી જૂન પછીનો સૌથી મોટો ત્રણ ટકા જેટલો ઘટાડો સાપ્તાહિક ધોરણે નોંધાયો છે.
ફેડરલ રિઝર્વનાં નીતિઘડવૈયાઓનું માનવું છે કે આર્થિક ડેટાને ટેકે ફુગાવામાં વૃદ્ધિ મંદ પડતાં રેટકટની શક્યતા પ્રબળ બનશે, નહીં કે ઈક્વિટી માર્કેટના કડાકાથી. વાસ્તવમાં ફેડરલ રિઝર્વનાં હળવી નાણાનીતિ અથવા તો વ્યાજદરમાં કપાતનાં સંકેત અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવને કારણે સોનામાં મક્કમ આંતરપ્રવાહ પ્રવર્તી રહ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. જોકે, હાલના તબક્કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ધારણા મૂકી રહ્યા છે.