વેપાર

ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ શુદ્ધ સોનું ૫૩૪ વધીને ₹ ૭૨,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૬૮૩ ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૬૮૩નો ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. ૮૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩૨થી ૫૩૪ વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. ૭૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૬૮૩ વધીને રૂ. ૮૯,૬૯૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી છૂટીછવાઈ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ પાંખી રહી હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩૨ વધીને રૂ. ૭૧,૯૩૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩૪ વધીને રૂ. ૭૨,૨૨૬ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે મુખ્યત્વે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૩૪૪.૬૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા વધીને ૨૩૫૪.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૨.૧ ટકાના ઉછાળા સાથે એક સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૩૦.૧૨ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા.

દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તેનાં વક્તવ્યમાં હળવી નાણાં નીતિના સંકેત આપ્યા હોવા છતાં વ્યાજદરમાં કાપ અંગે અમે હજુ વધુ આર્થિક ડેટાઓની રાહ જોઈ રહ્યા છીએ એમ જણાવતાં હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર અને ત્યાર બાદ શુક્રવારે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પે રૉલ ડેટા પર સ્થિર થઈ છે. હાલની વૈશ્ર્વિક સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ સાંકડી વધઘટે અથડાતા રહે તેવી શક્યતા વિશ્ર્લેષક એડવર્ડ મેઈરે વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે આ વર્ષનાં અંત આસપાસ ચૂંટણીઓનો માહોલ પૂરો થયા બાદ સોનામાં તેજીનું વલણ જોવા મળે તેમ જણાય છે. હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી ૬૫ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે. જોકે, કેસીએમ ટ્રેડનાં ચીફ એનાલિસ્ટે જણાવ્યું હતું કે અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા વ્યાજદરમાં કપાત અંગેનું ચિત્ર સ્પષ્ટ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button