વિશ્વ બજાર પાછળ સોનું ₹ ૬૭૧ ઉછળીને ₹ ૭૦,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૩૭નો સુધારો
સોનાના વૈશ્ર્વિક ભાવ વિક્રમ સપાટીથી માત્ર ૨૦ ડૉલર છેટે
મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જુલાઈ મહિનાનો પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ નબળો આવ્યાના નિર્દેશ સાથે આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવી હતી. આ ઉપરાંત મધ્યપૂર્વનાં દેશોમાં તણાવને પગલે સોનામાં સલામતી માટેની માગ અને ફેડરલ રિઝર્વે આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાના આપેલા સંકેતને પગલે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજીનું વલણ જળવાઈ રહ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬૮થી ૬૭૧ના ઉછાળા સાથે રૂ. ૭૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીમાં સાધારણ કિલોદીઠ રૂ. ૩૭નો સુધારો આવ્યો હતો. આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬૮ની તેજી સાથે રૂ. ૭૦,૧૧૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૭૧ વધીને રૂ. ૭૦,૩૯૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૭ના સાધારણ સુધારા સાથે રૂ. ૮૩,૫૦૧ના મથાળે રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૪૬૩.૪૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૯૮ ટકા વધીને ઔંસદીઠ ૨૪૫૮.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના વાયદામાં ભાવ ૧.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૯૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. ફેડરલ રિઝર્વની લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાની નીતિને કારણે અર્થતંત્ર પર માઠી અસર પડી રહી હોવાની ભીતિ સપાટી પર આવતા સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ ખૂલવાની સાથે સાથે ફેડરલ રિઝર્વે આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકવાના સંકેતો આપ્યા હોવાથી સોનાની તેજીને ઈંધણ મળ્યું છે. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ૩.૨ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.