સોનામાં ₹ ૪૨૦નો વધારો: ડોલર સામે રૂપિયામાં છ પૈસાનું ધોવાણ
મુંબઈ: ફોરેકસ માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો ગુરૂવારે સતત ત્રીજા સત્રમાં ગબડતો રહીને છ પૈસા ઘટીને ૮૩.૨૩ બોલાયો હતો. ફોરેક્સ ડીલર્સ અનુસાર ઇક્વિટી બજારોમાં મોટા પાયે વેચવાલી અને વિદેશમાં અમેરિકન ચલણને મજબૂત થવાને કારણે નીચે ખેંચાયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે વિદેશી ફંડો દ્વારા એકધારી વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવ ૯૦ ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયા હોવાથી પણ દબાણ આવ્યું હતું. બુલિયન બજારમાં તેજીનો માહોલ રહ્યો હતો. ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૬૦,૫૬૪ના પાછલા બંધ સામે રૂ. ૬૦,૮૮૮ની સપાટીએ ખૂલીને અંતે દસ ગ્રામદીઠ રૂ. ૪૨૦ના વધારા સાથે રૂ. ૬૦,૯૮૪ની સપાટીએ, જ્યારે સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૬૦,૩૨૧ના પાછલા બંધ સામે રૂ. ૬૦,૬૪૪ની સપાટીએ ખૂલીને દસ ગ્રામદીઠ રૂ. ૪૧૯ના વધારા સાથે રૂ. ૬૦,૭૪૦ની સપાટીએ સ્થિર થશે. હાજર ચાંદી રૂ. ૭૧,૦૦૪ના પાછલા બંધ સામે રૂ. ૭૧,૩૬૦ની સપાટીએ ખૂલીને કિલોદીઠ રૂ. ૫૫૬ના વધારા સાથે રૂ. ૭૧,૫૬૦ની સપાટીએ બંધ રહી હતી. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં સ્થાનિક એકમ રૂપિયો ૮૩.૧૯ પર નબળું ખુલ્યું હતું અને ગ્રીનબેક સામે ૮૩.૧૮ની ટોચ અને ૮૩.૨૪ની સૌથી નીચી સપાટી વચ્ચે અથડાયા બાદ અંતે ડોલર સામે ૮૩.૨૩ (કામચલાઉ)ની સપાટી પર સ્થિર થયો હતો અને તેના અગાઉના બંધ કરતાં ૬ પૈસાની ખોટ નોંધાવી હતી. ભારતીય ચલણમાં આ સતત ત્રીજો ઘટાડો છે. સોમવારે તેમાં ચાર પૈસાનો ઘટાડો થયો હતો, ત્યારબાદ બુધવારે એક પૈસાનો ઘટાડો થયો હતો, જ્યારે તે ૮૩.૧૭ પર સ્થિર થયો હતો. મંગળવારે દશેરાના કારણે ફોરેક્સ માર્કેટ બંધ રહ્યા હતા. વિશ્લેષકોએ બુધવારે યુ.એસ.માં હોમસેલ અંગેના સકારાત્મક ડેટા બાદ યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વિક્રમી વૃદ્ધિ માટે ડોલરની મજબૂતાઈને આભારી છે.વૈશ્ર્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો રૂપિયા પર દબાણ લાવે છે, પરંતુ આરબીઆઈની દરમિ.ાનગીરીને કારણે આ ઘટાડો અટકયો છે. યુ.એસ. ડોલરની સેફ હેવન ડીમાન્ડ અને પ્રોત્સાહક આર્થિક ડેટાના આધારે યુએસ ડોલર વધ્યા છેે.