વેપાર

વ્યાજદર વધારાના અંતના ફેડરલના નિર્દેશ સોનું ₹ ૧૧૯૫ના ઝડપી ઉછાળા સાથે ₹ ૬૨,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૩૦૯૫ની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી વર્તમાન કૅલૅન્ડર વર્ષની છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજરમાં વધારાના અંતના તેમ જ વ્યાજદરમાં કપાતના અણસાર આપવામાં આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ૧.૩ ટકાનો અને ચાંદીના ભાવમાં ૨.૫૦ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૯૫ના ઝડપી ઉછાળા સાથે રૂ. ૬૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૦૯૫ આગઝરતી તેજી સાથે રૂ. ૭૩,૦૦૦ની સપાટી પાર કરી
ગયા હતા.

આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે બન્ને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજીનો પવન ફૂંકાઈ જવાથી સાર્વત્રિક સ્તરેથી વપરાશી માગ તળિયે બેસી ગઈ હતી. તેમ છતાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હતી. આજે વિશ્ર્વ બજાર પાછળ .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની માત્ર ખપપૂરતી લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૦૯૫ની તેજી સાથે રૂ. ૭૩,૯૯૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી, પરંતુ જૂના સોનામાં વેચવાલીનું દબાણ પણ જોવા મળ્યું હતું. આજે સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૯૦ વધીને રૂ. ૬૨,૧૪૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૧૯૫ વધીને રૂ. ૬૨,૩૯૬ના મથાળે રહ્યા હતા.

દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત્ રાખ્યા હતા અને ફેડરલના કુલ ૧૯ અધિકારીઓ પૈકી ૧૭ અધિકારીઓએ વર્ષ ૨૦૨૪ના અંતે વ્યાજદર હાલના દર કરતાં નીચા હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. આમ ફેડરલનાં નિવેદન પશ્ર્ચાત્ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ અને સોના-ચાંદીમાં ઉછાળો આવ્યો હોવાનું હાઈ રિજ ફ્યુચર્સના મેટલ ટ્રેડિંગ વિભાગના ડિરેક્ટર ડેવિડ મીજરે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં મક્કમથી સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય. ગઈકાલે ફેડરલનાં ચેરમેન જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું કે બેરોજગારીમાં નોંધપાત્ર વધારો થયા વિના ફુગાવો શાંત પડ્યો છે અને કડક નાણાનીતિની સંપૂર્ણ અસર હજુ જોવા નથી મળી. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૦૦૪.૭૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૧૯૯૭.૩૦ ડૉલરના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૨.૫ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૩.૩૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button