ફેડરલની નિર્ણાયક બેઠક પૂર્વે સોનામાં₹ ૭૬ની અને ચાંદીમાં ₹ ૬૭૭ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે નવેમ્બર મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ઘટ્યા મથાળેથી સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. વધુમાં આજે અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના સમાપન પૂર્વે લંડન ખાતે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવા છતાં સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ હોવા છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૬૭૭નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે વપરાશકાર ઉદ્યોગ તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૭૭ના ઘટાડા સાથે રૂ. ૭૦,૮૯૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું અને ભાવઘટાડાના માહોલમાં રોકાણકારો, જ્વેલરો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૬ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૯૫૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૨૦૧ના મથાળે રહ્યા હતા.
ગત નવેમ્બર મહિનામાં અમેરિકામાં ફુગાવો વધીને ૩.૧ ટકાની સપાટીએ રહ્યો હતો, પરંતુ વ્યાજદરમાં વહેલાસર કપાત મૂકાય તેવા હેતુસર ટ્રેડરોની અપેક્ષા ફુગાવામાં મોટા ઘટાડાની હતી. આથી હવે આજે ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં કપાત અંગે કેવા સંકેતો આપે છે તેના પર બજાર વર્તુળોની નજર કેન્દ્રીત હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૯૮૧.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૧૯૯૬.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૬૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ આજે બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા મૂકાઈ રહી છે, જ્યારે સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી ૮૦ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે. હૅરૉસ મેટલનાં વિશ્ર્લેષકના મતાનુસાર આગામી વર્ષ ૨૦૨૪માં જો અમેરિકા મંદીની ગર્તામાં સરે અને ડૉલર નબળો પડે તો સોનામાં ભાવ વધી શકે છે, તેમણે વર્ષ ૨૦૨૪માં સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૮૦થી ૨૨૫૦ની રેન્જમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.