વેપાર

ફેડરલના રેટ કટના સંકેતે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૬૫નો અને ચાંદીમાં ₹ ૨૦૮નો સુધારો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યા બાદ ફેડરલના નીતિઘડવૈયાઓએ વ્યાજદરમાં કપાતનો સંકેત આપતા ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. વધુમાં મધ્યપૂર્વના દેશો વચ્ચે તણાવ વધતાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં સોનાનીમ સુધારાને ટેકો મળ્યો હતો, જ્યારે ચાંદીમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૫નો સુધારો આવ્યો હતો. જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી ૧૮ પૈસા જેટલો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૦૮ વધી આવ્યા હતા. આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૫ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૮,૯૦૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૯,૧૮૨ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૦૮ વધીને રૂ. ૭૮,૯૦૫ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી ૦.૩ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, ત્યાર બાદ ફેડરલનાં નીતિઘડવૈયાઓએ જણાવ્યું હતું કે જુલાઈ મહિનાના આર્થિક ડેટાઓ નબળા આવ્યા હોવાથી સંભવિત મંદીને ખાળવા માટે રેટ કટની આવશ્યકતા હોવાના નિર્દેશ આપતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૪૧૩.૯૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૪૫૫.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭.૦૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં ઊંચી પ્રવાહિતાને કારણે સોનાના ભાવમાં ભારે ચંચળતા જોવા મળી રહી છે. અન્ય અસ્ક્યામતોના માર્જિન કોલ તથા અન્ય પોઝિશનની નુકસાની સરભર કરવા માટે પણ સોનામાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું હોવાનું યુબીએસના વિશ્ર્લેષક જિઓવન્ની સ્ટૉઉનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ જ્યારથી વ્યાજદરમાં કાપ મૂકશે ત્યારથી સોનામાં તેજીનું વલણ જોવા મળશે અને વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૬૦૦ ડૉલર સુધી પહોંચે તેવી અમારી ધારણા છે.

જો આગામી દિવસોમાં અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવશે તો ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અખત્યાર કરે તેવી શક્યતા પ્રબળ બનતા સોનું વધીને ઔંસદીઠ ૨૫૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા એએનઝેડ કૉમૉડિટીના સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું. વધુમાં હાલ ટ્રેડરોની નજર સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના આર્થિક ડેટાઓ પર તેમ જ મધ્યપૂર્વના દેશોની રાજકીયભૌગોલિક સ્થિતિ પર પણ હોવાનું તેમણે ઉમેર્યું હતું. હાલ વૈશ્ર્વિક બજારમાં ટ્રેડરો ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં ૧૧૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો અંદાજ મૂકી રહ્યા છે. તેમ જ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી ૭૦ ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button