વેપાર

વૈશ્ર્વિક સોનું વિક્રમ સપાટીની નજીક પહોંચતા સ્થાનિકમાં ₹ ૫૦૦ની તેજી, ચાંદી ₹ ૧૭૮૭ ઉછળી

ધનતેરસની ઘરાકીની ચહેલપહેલ, પરંતુ ઊંચા મથાળેથી વૉલ્યુમ ઓછું રહેવાની ભીતિ

મુંબઈ: ઈઝરાયલે લેબેનોન પર કરેલા હુમલામાં અંદાજે ૬૦ વ્યક્તિઓની જાનહાનિ થઈ હોવાના અહેવાલ ઉપરાંત અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વિક્રમ સપાટીની નજીક પહોંચ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે ધનતેરસના સપરમા દહાડે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૮થી ૫૦૦ની તેજી આવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૭૮૭ના ઉછાળા સાથે ફરી રૂ. ૯૭,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

આજે ધનતેરસના સપરમા દહાડે સ્થાનિક જ્વેલરોમાં ખાસ કરીને રિટેલ સ્તરની માગની ચહેલપહેલ જોવા મળી હતી, પરંતુ ખરીદીની માત્રા અથવા તો વૉલ્યુમ ઓછું રહેવાની ભીતિ સેવાઈ રહી હતી. વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે આજે હાજરમાં વેરારહિત ધોરણે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૮ વધીને રૂ. ૭૮,૪૩૦ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦૦ વધીને રૂ. ૭૮,૭૪૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં તેજીનો અન્ડરટોન હોવાને કારણે રિટેલ સ્તરના ગ્રાહકોની ચહેલપહેલ હતી, પરંતુ વૉલ્યુમમાં ઘટાડો થવાની સાથે રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહેવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. વધુમાં આજે ૯૯૯ ટચ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૭૮૭ના ઉછાળા સાથે રૂ. ૯૭,૮૭૩ના મથાળે રહ્યા હતા.

જોકે, સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે મધ્યપૂર્વના દેશોના રાજકીય-ભૌગોલિક તણાવ તથા અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલરની વિક્રમ સપાટીની લગોલગ ૨૭૫૦.૮૭ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૨૭૬૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૩ ટકા વધીને ઔંસદીઠ ૩૪.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ગઈકાલે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં અને ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી જોવા મળેલા ઘટાડાને કારણે સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં રોકાણકારોની નજર આગામી દિવસોમાં જાહેર થનારા ફુગાવાના અને રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે.

જો અમેરિકાના આર્થિક ડેટાઓ મજબૂત આવશે તો ફેડરલ રિઝર્વ નાણાનીતિ હળવી અખત્યાર કરતાં સોનાની તેજીને ટેકો મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.

ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી બજાર વર્તુળો ધારણા મૂકી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker