વેપાર

અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવતાં વ્યાજદરમાં કપાતના આશાવાદે સોનામાં વન વૅ તેજી

તેજીના માહોલમાં માગ શુષ્ક, અંદાજપત્રમાં ડ્યૂટી ઘટાડાનો બજારમાં આશાવાદ

કોમોડિટી -રમેશ ગોહિલ

ગત સપ્તાહે અમેરિકાનાં આર્થિક ડેટાઓ અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી અમેરિકી અર્થતંત્ર મંદીની ગર્તામાં સરી જવાની ભીતિ સપાટી પર આવી હતી અને ડૉલર ઈન્ડેક્સ નબળો પડયો હતો. જોકે, આર્થિક મંદી ખાળવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ગત સપ્તાહે વૈશ્ર્વિક બજારમાં સોનામાં સતત તેજીનો અન્ડરટોન રહ્યો હતો.

વધુમાં ગત સપ્તાહના અંતે અમેરિકાના જૂન મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હતા, પરંતુ ગત મે મહિનાના રોજગાર વૃદ્ધિની સંખ્યા જે ૨,૭૨,૦૦૦ હતી તે ઘટાડીને ૨,૧૮,૦૦૦ અને ગત એપ્રિલ મહિનાની રોજગાર વૃદ્ધિની સંખ્યા જે ૧,૬૫,૦૦૦ હતી તે ઘટાડીને ૧,૦૮,૦૦૦ કરવામાં આવી હતી. તેમ જ બેરોજગારીનો દર અંદાજિત ચાર ટકા સામે ૪.૧ ટકા રહ્યો હોવાથી ડૉલર ઈન્ડેક્સ નબળો પડવાની સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના હાજર ભાવમાં આગલા બંધ સામે ૧.૩ ટકા જેટલો ઉછળીને એક મહિનાની ઊંચી ઔંસદીઠ ૨૩૮૫.૬૩ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. તેમ જ સાપ્તાહિક ધોરણે ભાવમાં બે ટકા જેટલી તેજી નોંધાઈ હતી.

વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૯મી જૂનના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧,૮૩૫ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને અને સપ્તાહની નીચી રૂ. ૭૧,૬૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ ઊંચામાં રૂ. ૭૨,૬૭૮ સુધી પહોંચ્યા બાદ અંતે રૂ. ૭૨,૬૪૦ના મથાળે બંધ રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન સ્થાનિકમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૦૫નો અથવા તો ૧.૧૨ ટકાનો ઉછાળો આવ્યો હતો.

જોકે, ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક ખાતે ઉછળેલા ભાવની અસર સ્થાનિક બજારમાં આગામી સોમવારે જોવા મળી શકે છે. જોકે, બજારમાં જોવા મળેલા એકતરફી તેજીના માહોલમાં સાર્વત્રિક સ્તરેથી માગ શુષ્ક રહી હતી અને નિરસ માગે સ્થાનિકમાં સતત નવમાં સપ્તાહમાં ડીલરો સોનાના ભાવ ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા. ગત સપ્તાહે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૧ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે ડિસ્કાઉન્ટ નવ ડૉલર આસપાસની સપાટીએ રહ્યું હતું.

એકંદરે સોનામાં તેજીની માઠી અસર રિટેલ માગ પર પડી છે. વધુમાં ગત મંગળવારથી દેશમાં ચોમાસું સક્રિય થતાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો વાવણીમાં વ્યસ્ત થયા હોવાથી ગ્રામીણ ક્ષેત્રની માગ પણ નિરસ રહી હોવાનું એક બુલિયન ડીલરે જણાવ્યું હતું. જોકે, વિશ્ર્વ બજારની પાછળ સ્થાનિકમાં જોવા મળેલી તેજીને ધ્યાનમાં લેતાં હવે જ્વેલરોની મીટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ૨૩મી જુલાઈએ રજૂ થનારા વર્તમાન નાણાકીય વર્ષનાં અંતિમ અંદાજપત્રના પ્રસ્તાવો પર સ્થિર થઈ છે અને અંદાજપત્રમાં સોનાની ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે તેવો જ્વેલરો આશાવાદ રાખી રહ્યા હોવાથી તાજેતરમાં જ્વેલરોની નવી ખરીદી પણ શાંત પડી હોવાનું ડીલરોએ જણાવ્યું હતું. વધુમાં ઊંચા મથાળેથી વિશ્ર્વમાં સોનાના અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ માગ શાંત પડી જતાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૧થી ૨૪ ડૉલર જેટલાં ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા.

અમેરિકા ખાતે ગત મે મહિનામાં ફેક્ટરી ઓર્ડરમાં ૦.૫ ટકાનો ઘટાડો, જૂન મહિનામાં સર્વિસીસ પીએમઆઈ આંક જે મે મહિનામાં ૫૩.૮ ના સ્તરે હતો તે ઘટીને ૪૮.૮ના સ્તરે પહોંચ્યો હતો, મે મહિનાની વેપાર ખાધ વધીને ૭૫.૧ અબજ ડૉલરના સ્તરે પહોંચવાની સાથે મે મહિનામાં બાંધકામ ખર્ચમાં પણ ઘટાડો થયો હોવાથી અમેરિકન અર્થતંત્રને મંદીની ગર્તામાં સરી જતું અટકાવવા ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા બળવત્તર બનતાં ગત સપ્તાહે સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું.

વધુમાં સપ્તાહના અંતે ગત શુક્રવારે અમેરિકાનાં રોજગારીનાં જૂન મહિનાના રોજગાર વૃદ્ધિના ડેટા બજારની અપેક્ષાનુસાર આવ્યા હોવા છતાં એપ્રિલ અને મે મહિનાના પૅ રૉલ ડેટામાં રોજગાર વૃદ્ધિની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી સોનાની તેજીને વધુ ઈંધણ મળ્યું હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે જો ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરથી રેટ કટનો સંકેત આપી દે તો સોનાના ભાવ પુન: ઔંસદીઠ ૨૪૫૦ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચી શકે તેમ છે.

તે જ પ્રમાણે અન્ય એનાલિસ્ટ રિન્કુભાઈ સૈયાએ જણાવ્યું હતું કે ગત સપ્તાહે સોનાનો ઑગસ્ટ વાયદો ઔંસદીઠ ૨૩૯૭.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો અને ચાર્ટ અનુસાર અમારા મતે અનુક્રમે ૨૪૩૦, ૨૪૫૦ અને ૨૪૭૦ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી અને ૨૩૭૫, ૨૩૬૧ અને ૨૩૪૫ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ જણાય છે. તેમ છતાં હાલ સોનામાં જે પ્રકારે તેજીનો પવન ફૂંકાયો છે તે જોતા ભાવ ટૂંક સમયમાં ઔંસદીઠ ૨૪૫૦થી ૨૪૭૦ ડૉલર સુધી પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળે તેવી શક્યતા પણ નકારી ન શકાય.

વધુમાં ગત શુક્રવારનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ડૉલર ઈન્ડેક્સ ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

તેમ જ અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડ પણ ઘટી આવી હોવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી ૭૨ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત