વેપાર

સોનામાં રૂ. ૧૩૯નો સુધારો, ચાંદીમાં રૂ. ૮૮૦ની પીછેહઠ

વૈશ્વિક બજારમાં રોકાણકારોની નજર અમેરિકાના ફુગાવાના ડેટા પર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકામાં પહેલા ત્રિમાસિકગાળામાં જીડીપીમાં બજારની અપેક્ષાથી ઓછી વૃદ્ધિ થઈ હોવાના નિર્દેશો સાથે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વનો નિર્ણય ભજવનારા ગત એપ્રિલ મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પર હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે પણ સોનાના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૯નો સુધારો આવ્યો હતો.

જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી ભાવવધારાને ટેકો મળ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૮૮૦ ઘટી આવ્યા હતા.


Read More | વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૧૪૩૮ તૂટી, સોનામાં રૂ. ૪૨૩નો ઘટાડો


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૮૦ ઘટીને રૂ. ૯૧,૭૯૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધવાથી સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૯ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૯૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૨,૨૫૪ના મથાળે રહ્યા હતા. જોકે, તાજેતરમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વર્ષ ૨૦૨૪નાં પહેલા ત્રિમાસિકગાળામાં અમેરિકામાં જીડીપીમાં બજારની ૧.૬ ટકાની વૃદ્ધિની અપેક્ષા સામે ધીમી ૧.૩ ટકાની વૃદ્ધિ જોવા મળતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારો આગળ ધપતા ભાવ વધુ ૦.૦૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩૪૩.૫૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧૨ ટકા વધીને ૨૩૪૫.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૨ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


Read More | RBIએ યુકેમાંથી 100 ટન સોનું દેશની તિજોરીઓમાં શિફ્ટ કર્યું, આ જગ્યાએ સ્ટોર કરશે


સૂત્રોના જણાવ્યાનુસાર આજે મોડી સાંજે અમેરિકાના એપ્રિલ મહિનાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી મર્યાદિત સુધારો જોવા મળ્યો છે. આજે જાહેર થનારા ફુગાવમાં વૃદ્ધિ થોડી ધીમી પડશે, પરંતુ ફેડરલ રિઝર્વનાં બે ટકાના લક્ષ્યાંક કરતાં તો વધુ રહે તેવી ધારણા ટ્રેડરો મૂકી રહ્યા છે. વિશ્ર્લેષકોના મતાનુસાર હાલના તબક્કે ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેમ હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ભાવ સાંકડી વધઘટે અથડાતા રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button