છથી આઠ મહિનામાં સોનાના ભાવ વધીને ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા: સિટી ઈન્ડેક્સ
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતા વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૮૯નો ઉછાળો, ચાંદીમાં ₹ ૨૩૯નો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન-ઈઝરાયલ વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થતાં સોનામાં સલામતી માટેની પ્રબળ માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજીનું વલણ જળવાઈ રહ્યા બાદ વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણે ભાવમાં પીછેહઠ જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હતો. જોકે, મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને ધ્યાનમાં લેતા સિટી ઈન્ડેક્સે આગામી બીજા છમાસિકગાળામાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૫૦૦ ડૉલર અને છથી આઠ મહિનામાં સોનાના ભાવ વધીને ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા સીટી ઈન્ડેક્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૭ પૈસાનું ધોવાણ થયું હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૭થી ૪૮૯ની તેજી આગળ ધપી હતી, જ્યારે ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩૯નો ઘટાડો આવ્યો હતો. ો સાધારણ સુધારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગનો ટેકો મળ્યો હોવાથી મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૧૮૦ વધી આવ્યા હતા, પરંતુ મધ્યસત્ર બાદ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં અંતે ભાવ કિલોદીઠ રૂ. ૨૩૯ ઘટીને રૂ. ૮૩,૨૧૩ના મથાળે બંધ રહ્યા હતા. જોકે સોનામાં વૈશ્ર્વિક બેતરફી અહેવાલ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં તેજી આગળ ધપતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૭ વધીને રૂ. ૭૩,૦૦૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૮૯ વધીને રૂ. ૭૩,૩૦૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શાંત હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
તાજેતરમાં વૈશ્ર્વિક સોનાને મધ્યપૂર્વના દેશોની તણાવની સ્થિતિનો લાભ મળી રહ્યો છે અને રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો પણ ટેકો મળી રહ્યો હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું.