વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ
અમેરિકામાં ફુગાવો વધતાં જૂનથી રેટ કટની શક્યતા ધૂંધળી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલા ગત માર્ચ મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં બજારની વધારો થયો હોવાના નિર્દેશ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૦.૭૫ ટકા જેટલો ઘટાડો આવી ગયો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી આવ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ઘટ્યા મથાળેથી રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સલામતી માટેની માગનો ટેકો મળતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં વધુ ૦.૩ ટકા જેટલો ઘટાડો આગળ વધ્યો હતો.
જોકે, આજે સ્થાનિકમાં ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન રમઝાન ઈદની રજાને કારણે સત્તાવાર ધોરણે બંધ રહ્યું હોવાથી સ્થાનિકમાં સોનાના ભાવની કોઈ જાહેરાત નહોંતી કરવામાં આવી.
ગત માર્ચ મહિનાનો અમેરિકાનો ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આગલા ફેબ્રુઆરી મહિનાના ૩.૨ ટકા સામે વધીને ૩.૫ ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ હતા. જોકે, બજાર વર્તુળો ૩.૪ ટકા આસપાસ ફુગાવો રહેવાની ધારણા મૂકી હતી. આમ ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બની હતી અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવમાં ૦.૭ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંંભે મધ્ય પૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતાં સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ માગનો ટેકો મળતાં હાજર અને વાયદામાં ભાવ અનુક્રમે ઔંસદીઠ ૨૩૩૦.૯૨ ડૉલર અને ૨૩૪૮ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭.૮૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું યુબીએસનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હવે સોનાના ભાવમાં વધઘટનો આધાર એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણકારોની લેવાલી કેવી રહે છે તેમ જ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆતનો કોઈ અણસાર આપવામાં આવે તેના પર અવલંબિત રહેશે. વધુમાં વૈશ્ર્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ચીનની અનામત માટેની લેવાલીને ટેકો મળતો રહે તેવી શક્યતા ટેસ્ટીલીવનાં ગ્લોબલ મેક્રો વિભાગના હેડ સ્પાઈવેક ઈયાએ વ્યક્ત કરી હતી.
જોકે, રૉઈટર્સનાં ટેક્નિકલ એનાલિસ્ટ વૉંગ તાઓએ આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૩૧૯ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને ઔંસદીઠ ૨૨૮૮થી ૨૩૦૨ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહેશે.
વધુમાં ગઈકાલે અમેરિકા ખાતે ફુગાવો વધી આવ્યાના અહેવાલો પશ્ર્ચાત્ ગોલ્ડમેન સાશે ફેડરલ રિઝર્વ આગામી જુલાઈ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા વ્યક્ત કરી હતી, જ્યારે યુબીએસએ સપ્ટેમ્બર મહિનાથી રેટ કટની શરૂઆત કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.