વેપાર

ફેડરલ રિઝર્વ આ વર્ષમાં માત્ર એક વખત વ્યાજદર ઘટાડશે

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૭૯ની અને ચાંદીમાં રૂ. ૩૪૭ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ આ વર્ષે માત્ર એક જ વખત વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮થી ૭૯નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૩૪૭ ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૪૭ના ઘટાડા સાથે રૂ. ૮૭,૮૪૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનાં દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮ ઘટીને રૂ. ૭૧,૨૧૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૯ ઘટીને રૂ. ૭૧,૫૦૧ના મથાળે રહ્યા હતા.

Read more: શુગર સ્ટોક્સમાં સડસડાટ તેજીના ઉછાળા કેમ?

ગઈકાલે અમેરિકા ખાતે મે મહિનાનો ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અથવા તો ફુગાવો બજારની ૩.૪ ટકાની ધારણા સામે ઘટીને ૩.૩ ટકાના સ્તરે રહ્યો હોવાથી એક તબક્કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલા કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાની સાથે ફુગાવો બે ટકાના લક્ષ્યાંકની સામે ઊંચી સપાટીએ સ્થગિત થઈ રહ્યો હોવાથી વર્ષ દરમિયાન એક જ વખત વ્યાજદરમાં વધારો કરવાના સંકેત ફેડરલના પ્રમુખ જૅરૉમ પૉવૅલે આપતાં સોનામાં પીછેહઠ જોવા મળી હતી.

વધુમાં આજે લંડન ખાતે પણ સત્રના આરંભે ભાવઘટાડો જળવાઈ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૧૬.૮૩ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૧૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે ૧.૧૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૩૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Read more: નવી સરકાર બનતા જ વર્લ્ડ બેંકે આપ્યા good news, કહ્યું- આગામી 3 વર્ષમાં દુનિયા જોશે ભારતનો દબદબો

એકંદરે સોનામાં કેન્દ્રવર્તી બૅન્કની ઘટેલી લેવાલી ઉપરાંત ફેડરલ દ્વારા ઓછી વખત વ્યાજદરમાં કાપ મૂકવાના સંકેતો સાથે સોનામાં તેજીના વળતા પાણી જોવા મળી રહ્યા છે. તેમ છતાં લાબાગાળે અથવા તો એક વર્ષ સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા સિટી બૅન્કના વિશ્ર્લેષકે એક નોટ્સમાં વ્યક્ત કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button