સોનાના ભાવમા સતત તેજીનો તરખાટ, અક્ષય તૃતીયા પર ભાવ વધવાની શકયતા

મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે આંતરરાષ્ટ્રીય બજારમા ઉથલ પાથલ સર્જી છે. શેરબજારમાં અફડ તફડીથી લઈને સોના-ચાંદીના ભાવ પર પણ તેની અસર જોવા મળી છે. ત્યારે અક્ષય તૃતીયા પર તેની કિંમત 1 લાખ રૂપિયાને પાર કરશે તેવી શકયતા છે.
સોનાએ 7 ટકાથી વધુ વળતર આપ્યું
યુએસ ટેરિફની જાહેરાત બાદ શેરબજારમા અનિશ્ચતાથી સોનાના ભાવમા વધારો થયો છે. સોનાએ 7 ટકાથી વધુ વળતર આપ્યું છે. 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ 93,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો તે દિવસે તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો. તેની બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો અને 8 એપ્રિલે તે ઘટીને 90,600 રૂપિયા થઈ ગયો. પરંતુ જ્યારે ટેરિફ 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો, ત્યારે તેની કિંમતમાં વધારો જોવા મળ્યો.
ભાવ સતત કેમ વધી રહ્યા છે
8 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન બજારો લગભગ સાત દિવસ ખુલ્લા રહ્યા, જ્યારે બાકીના દિવસો સાપ્તાહિક અથવા અન્ય રજાઓના હતા. આ સમયગાળા દરમિયાન, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ લગભગ 7100 રૂપિયાનો વધારો થયો અને સોનાનો ભાવ રેકોર્ડ 97,700 રૂપિયા પર પહોંચી ગયો. સોનાએ 10 એપ્રિલ, 11 એપ્રિલ, 12 એપ્રિલ, 16 એપ્રિલ અને 17 એપ્રિલના રોજ પોતાના અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે 30 એપ્રિલે અક્ષય તૃતીયા અને લગ્નની મોસમ છે અને આ પ્રસંગે ધનતેરસ પછી સૌથી વધુ ઘરેણાં ખરીદવામાં આવે છે. ત્યારે ભારતીય બજારમાં સોનાની માંગ સતત વધી રહી છે.
આપણ વાંચો: વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી
સોનાની માંગમાં વધારો થશે
બજારના નિષ્ણાતોના મતે, આગામી બે અઠવાડિયામાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે, તેથી લોકો પહેલાથી જ સિક્કા અને સોનાના બિસ્કિટ બુક કરાવી રહ્યા છે જેથી તેઓ અક્ષય તૃતીયાના દિવસે ડિલિવરી મેળવી શકે. આ ઉપરાંત, સોનાની માંગમાં વધારો થવાનું બીજું એક પરિબળ એ છે કે મે મહિનામાં લગ્ન શરૂ થશે તેથી લોકો ભાવમાં વધુ વધારો થાય તે પહેલાં સોનું ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે.