વૈશ્વિક સોનાએ 4100 ડૉલરની સપાટી કુદાવતા સ્થાનિકમાં વધુ રૂ. 1997ની તેજી, ચાંદીમાં રૂ. 2775નો ચમકારો...
વેપાર

વૈશ્વિક સોનાએ 4100 ડૉલરની સપાટી કુદાવતા સ્થાનિકમાં વધુ રૂ. 1997ની તેજી, ચાંદીમાં રૂ. 2775નો ચમકારો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરની ચિંતા તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષની શેષ બન્ને નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ન્યૂ યોર્ક ખાતે ગઈકાલે સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 4179.48 ડૉલરની અને ચાંદીના ભાવ આૈંસદીઠ 53.60 ડૉલર સુધીની ઊંચી સપાટીએથી પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે સોનાના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હોવાના નિર્દેશો હતા.

આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિમતી ધાતુઓમાં વન વૅ તેજીનું વલણ જળવાઈ રહેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1989થી 1997ની તેજી આવી હતી જેમાં શુદ્ધ સોનાએ રૂ. 1.26 લાખની સપાટી કુદાવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2775ના ઉછાળા સાથે રૂ. 1.78 લાખની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 12 પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરોમાં વધારો થવાથી હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1989 વધીને રૂ. 1,25,647ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1997 વધીને રૂ. 1,26,152ના મથાળે રહ્યા હતા.

જોકે, ઊંચા મથાળેથી માત્ર રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. વધુમાં આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોનું સટ્ટાકીય આકર્ષણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2775ની તેજી સાથે રૂ. 1,78,100ના મથાળે રહ્યા હતા.

દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવે આૈંસદીઠ 4179.48 ડૉલરની સપાટી દાખવ્યા બાદ પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 4129.16 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 4147.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ગઈકાલે ચાંદીના ભાવ આૈંસદીઠ 53.60 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ આજે વધ્યા મથાળેથી 1.6 ટકાના ઘટાડા સાથે 51.49 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરની સાથે રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતા, ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદ, કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં જોવા મળી રહેલા અવિરત આંતરપ્રવાહ સોના-ચાંદીની તેજીને ટેકો આપી રહ્યા હોવાનું નેમો મનીનાં વિશ્લેષક હૅન ટૅને જણાવતા ઉમેર્યું હતું કે જો આગામી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં આંચકાજનક રીતે વ્યાજદરમાં કપાતનો નિર્ણય ન લે તો સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલર આસપાસ આવી શકે છે.

જોકે, હાલમાં રોકાણકારોની નજર દક્ષિણ કોરિયામાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ તથા ચીનના પ્રમુખ શિ જિનપિંગ વચ્ચે બેઠક યોજાશે કે નહીં તેના પર તેમ જ આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button