Top Newsવેપાર

સોનાના ભાવમાં ચંચળતા વચ્ચે ભારત સહિત એશિયન બજારમાં માગ નિરસ

વધુ ભાવઘટાડાના આશાવાદે સ્થાનિકમાં લગ્નસરાની માગ અપેક્ષા કરતાં ઓછી

રમેશ ગોહિલ

અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે છેલ્લી નીતિવિષયક બેઠકનાં અંતે આગામી 9-10 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાતની શક્યતા ઓછી હોવાનું જણાવ્યું હતું. વધુમાં છેલ્લી બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં પણ ફેડરલનાં બહુધા સભ્યો વ્યાજદરમાં કપાતની વિરુદ્ધમાં હોવાનું ફલિત થયું હતું. તેમ જ ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં પણ બજારની અપેક્ષા કરતાં રોજગારીમાં વધુ ઉમેરો થયો હોવાનું જણાતાં વ્યાજદર યથાવત્‌‍ રાખવામાં આવે એવી શક્યતા વધુ પ્રબળ બનતાં સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, સપ્તાહ દરમિયાન વૈશ્વિક બજારમાં ખાસ કરીને એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રમાં તેજીનો પરપોટો ફૂટવાની ભીતિ સેવાઈ રહી હોવાથી વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં કડાકા બોલાવાની સાથે સાથે ક્રિપ્ટો કરન્સી સહિતની તમામ જોખમી અસ્ક્યામતોમાં ઑલ ફૉલ ડાઉનનું વલણ જોવા મળ્યું હતું તેમાં સોનું પણ બાકાત નહોતું રહ્યું. જોકે, સપ્તાહના અંતે ન્યૂયોર્ક ફેડના પ્રમુખ જ્હોન વિલિયમે આગામી ટૂંકા સમયગાળામાં ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાની અવગણના કરીને પણ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરતાં સપ્તાહના અંતે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડો અટકીને ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, તાજેતરમાં સોનાના ભાવમાં જોવા મળેલો ઘટાડો કામચલાઉ ધોરણનો હોવાનું એએનઝેડે એક નોટ્સમાં જણાવતા ઉમેર્યું હતું કે આર્થિક વૃદ્ધિદરની ચિંતા, ઈક્વિટી માર્કેટના ઊંચા વૅલ્યૂએશન્સ, રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતાઓ, જોખમી અસ્ક્યામતોથી દૂર થવાનું રોકાણકારોનું માનસ અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં જળવાઈ રહેલી લેવાલી જેવાં મૂળભૂત પરિબળોને ધ્યાનમાં લેતા એકંદરે સોનામાં અન્ડરટોન મજબૂત રહે તેવી શક્યતા પ્રબળ છે.

દરમિયાન સ્થાનિક બજારમાં પણ ગત સપ્તાહે વૈશ્વિક બજાર પાછળ સોનાના ભાવમાં ભારે ચંચળતા જોવા મળી હતી અને નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભમાં સ્થાનિકમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 1,24,794ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 1,22,714ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં 1,21,366 અને ઉપરમાં 1,23,884ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 1.32 ટકા અથવા તો રૂ. 1648 ઘટીને રૂ. 1,23,146ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, ગત સપ્તાહમાં ગુરુવાર સુધી ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાયા બાદ શુક્રવારે 98 પૈસા ગબડી ગયો હતો અને સાપ્તાહિક ધોરણે રૂપિયામાં 102 પૈસાનો કડાકો નોંધાયો હતો. આમ રૂપિયો નબળો પડવાને કારણે આયાત પડતરો વધી આવતા વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.

આ પણ વાંચો: સ્થાનિક- વૈશ્વિક ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે ડૉલર સામે રૂપિયો 98 પૈસાનો સૌથી મોટો એક દિવસીય કડાકોઃ 89ની પાર

એકંદરે ગત સપ્તાહે સોનાના ભાવમાં ભારે ચંચળતા હોવાથી ભારત સહિત એશિયન બજારોમાં ખરીદી અટકી હતી. આગલા સપ્તાહે સોનાના ભાવમાં ધીમો સુધારો જોવા મળ્યા બાદ ગત સપ્તાહ ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું અને વધુ ભાવઘટાડા અથવા તો ભાવ સ્થિર થવાના આશાવાદને કારણે જ્વેલરી ઉત્પાદકોની ખરીદી નિરસ રહી હતી. તેમ જ રિટેલ ખરીદદારો પણ વધુ ભાવઘટાડાની રાહ જોઈ રહ્યા હોવાનું કોલકાતા સ્થિત એક જ્વેલરે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં લગ્નસરાની મોસમ શરૂ થઈ છે, પરંતુ જ્વેલરીની દુકાનોમાં માગ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. આથી જ્વેલરો પણ ઓછો સ્ટોક કરવાનું મુનાસિબ સમજી રહ્યા છે. જોકે, ભાવમાં ઘટાડો થતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 21 ડૉલરના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડિસ્કાઉન્ટ વધીને પાંચ મહિનાની ઊંચી 43 ટકાની સપાટીએ પહોંચ્યું હતું. વધુમાં અન્ય એક જ્વેલરે પણ જણાવ્યું હતું કે સોનાની કુલ માગ પૈકી લગ્નસરાની માગ મુખ્ય પરિબળ હોય છે, પરંતુ વર્તમાન ઊંચી ભાવસપાટીને ધ્યાનમાં લેતા સામાન્યપણે જોવા મળતી માગની સરખામણીમાં ઓછી જોવા મળી રહી છે.

વધુમાં સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ માગ મર્યાદિત રહેતાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સમકક્ષથી લઈને પાંચ ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. ચીન સ્થિતિ વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલ્સનાં ડીલિંગ હેડ પીટર ફંગે જણાવ્યું હતું કે લોકો હજુ પણ લાંબા સમયગાળાના રોકાણ માટે સોનાની પસંદગી કરી રહ્યા છે, પરંતુ હાલની ભાવસપાટીથી ખરીદવા માટે અચકાઈ રહ્યા છે અને વધુ મોટા કરેક્શન અથવા તો ભાવઘટાડાનો આશાવાદ રાખી રહ્યા છે.

આ પણ વાંચો: વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 1323ની અને ચાંદીમાં રૂ. 4007ની પીછેહઠ

ગત સપ્તાહે વૈશ્વિક બજારમાં તમામ એસેટ્ ક્લાસમાં ભાવઘટાડો જોવા મળ્યો હતો, જેમાં ક્રિપ્ટોકરન્સીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો અને બિટકોઈન 87000 ડૉલરની અંદર ઉતરી ગયો હતો. આ ઉપરાંત ઈક્વિટી અને કૉમૉડિટી માર્કેટમાં પણ નરમાઈનું જ વલણ રહ્યું હતું જોકે, સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં અમુક અંશે સલામતી માટેની માગનો ટેકો મળ્યો હોવાથી પ્રમાણમાં ઓછો ભાવઘટાડો જોવા મળ્યો હતો. વાસ્તવમાં અમેરિકી ગવર્નમેન્ટ શટડાઉનને કારણે અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાતો વિલંબિત થઈ છે. ગત સપ્તાહે અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત થઈ હતી, જેમાં આગલા ઑગસ્ટ મહિના સુધારીત આંકડા મુજબ 4000 રોજગાર છૂટા કરવામાં આવ્યા હતા તેની સામે સપ્ટેમ્બરમાં રોજગારોની સંખ્યામાં 1.19 લાખનો ઉમેરો થયો હતો, પરંતુ બેરોજગારીનો દર વધીને 4.4 ટકાની સપાટીએ રહ્યો હોવાનું અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું. જોકે, શટડાઉનને કારણે ઑક્ટોબરના ડેટાની જાહેરાત નહોતી કરવામાં આવી. આમ આ ડેટાની જાહેરાત સાથે જ બજારમાં રેટકટ અંગેની અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હતો અને તમામ એસેટ્ ક્લાસમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં સલામતી માટેની માગને ટેકે સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહ દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ આૈંસદીઠ 3900થી 4150 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.16 લાખથી 1.25 લાખની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂયોર્ક ફેડના પ્રમુખ જ્હોન વિલિયમે આગામી ટૂંકા સમયગાળામાં ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાની અવગણના કરીને પણ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરતાં સપ્તાહના અંતે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 4086.57 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધથી 0.5 ટકા વધીને 4079.5 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 50.39 ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે જ્હોન વિલિયમની આ ટિપ્પણી પશ્ચાત્‌‍ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર હવે ટ્રેડરો આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી 74 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે એક દિવસ પૂર્વે 40 ટકા શક્યતા મુકાઈ રહી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button