સોનામાં રૂ. 96નો અને ચાંદીમાં રૂ. 370નો સાધારણ સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકામાં આજે જાહેર થનારા સર્વિસીસ પીએમઆઈના અને આગામી શુક્રવારે મોડી સાંજે જાહેર થનારા બેરોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનાં સાવચેતીના અભિગમને કારણે સોનાના ભાવમાં સાધારણ સુધારો અને ચાંદીના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. તેમ જ વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ખાસ કરીને આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં સાધારણ 10 ગ્રામદીઠ રૂ. 96નો અને ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 370નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 370ના સુધારા સાથે કિલોદીઠ રૂ. 90,350ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોના સાવચેતીના અભિગમ સાથે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ તથા રૂપિયાની નરમાઈને ટેકે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 96ના સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,114 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,420ના મથાળે રહ્યા હતા.
Also read: સ્થાનિક સોનાએ રૂ. રૂ. 1315ના ઘટાડા સાથે રૂ. 74
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 2649.09 ડૉલર અને વાયદામાં ભાવ 0.1 ટકા વધીને 2671.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 31 ડૉલર આસપાસની સપાટીએ ટકેલાં રહ્યાં હતાં.
આજે વૈશ્વિક સોનાના ભાવમાં મુખ્યત્વે દક્ષિણ એશિયા અને યુરોઝોનમાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે નીકળેલી સલામતી માટેની માગને ટેકે સુધારો જોવા મળ્યો હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં એનાલિસ્ટ જિગર ત્રિવેદીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે આર્થિક અથવા તો રાજકીય અનિશ્ચિતતાઓના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં સલામતી માટેની માગ ખૂલતી હોય છે.
આજે રોકાણકારોની નજર રોકાણકારોની નજર અમેરિકાના જોબ ડેટા અને સપ્તાહના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષના વક્તવ્ય પર સ્થિર થઈ હોવાથી તેઓનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહ્યો હતો. જોકે, આગામી નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 73 ટકા શક્યતા આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હતા.
Also read: સોનાના બટનવાળો સ્લીવલેઝ ડીપનેકવાળા આઉટફિટમાં Ambani Familyની આ લેડીઝે…
તાજેતરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ રહ્યા હોવા છતાં લાંબા સમયગાળા દરમિયાન સોનામાં ખાસ કરીને ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર નીતિના તણાવ અને અમેરિકાની અંદાજપત્રીય ખાધ વધવાની શક્યતાને ધ્યાનમાં લેતાં વર્ષ 2025માં સોનામાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા ઓએએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે વ્યક્ત કરી હતી, જ્યારે રૉઈટર્સનાં વિશ્લેષક વૉન્ગ તાઉના મતાનુસાર આગામી ટૂંકાય સમયગાળા માટે સોનામાં આૈંસદીઠ 2621 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે આ સપાટી તૂટતા ભાવ વઘટીને 2594થી 2608 ડૉલર સુધી ઘટી શકે છે.