વેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૪૪૦ની આગેકૂચ, ચાંદીમાં રૂ. ૫૦૮ની પીછેહઠ


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે નીચા વ્યાજ દર અને મધ્ય પૂર્વનાં દેશોમાં વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણે પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્ર્વિક અહેવાલોને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે હાજરમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩૯થી ૪૪૦નો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૫૦૮નો ઘટાડો આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૦૮ના ઘટાડા સાથે રૂ. ૮૮,૪૦૯ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩૯ વધીને રૂ. ૭૪,૨૩૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૪૦ વધીને રૂ. ૭૪,૫૩૩ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી રોકાણકારો અને સ્ટોકિસ્ટોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી.

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવતા ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી તેમ જ મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૬૩૧.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૬૫૫.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૩૦.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ફેડરલ રિઝર્વે ૫૦ બેસિસ પૉઈન્ટની બમ્પર કપાત સાથે હળવી નાણાનીતિના સંકેતો આપ્યા હોવાથી હવે વિશ્ર્લેષકોનું માવુ છે કે આ વર્ષના અંત સુધીમાં ફેડરલ વ્યાજદરમાં ૧૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે. સામાન્યપણે નીચા વ્યાજદરના સંજોગોમાં રોકાણકારોની સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં લેવાલી રહેતી હોય છે. જોકે, હવે રોકાણકારોની નજર આ સપ્તાહ દરમિયાનના ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર તેમ જ આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ છે. વધુમાં ફેડરલના વ્યાજદરમાં કપાતના નિર્ણય બાદ હવે સ્વિત્ઝર્લેન્ડ અને સ્વીડન પણ આ સપ્તાહની બેઠકમાં વ્યાજરમાં કાપ મૂકે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…